Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કોરોના ઈફેક્ટ :ચાલુ નાણાંકીય વર્ષના પ્રથમ છ મહિનામાં સોનાની આયાતમાં 57 ટકાનું ગાબડું

ચાંદીની આયાત પણ 63.4 ટકા ઘટીને 73.35 કરોડ ડોલર રહી

 નવી દિલ્હી : ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિના (એપ્રિલથી સપ્ટેમ્બર) દરમિયાન સોનાની આયાત 57 ટકા ઘટીને 6.8 અબજ ડોલર અથવા.50,658 કરોડ થઈ છે. વાણિજ્ય મંત્રાલયના ડેટા પરથી આ માહિતી મળી છે. કોવિડ -19 રોગચાળા વચ્ચે માંગમાં ઘટાડો થતાં સોનાની આયાતમાં ઘટાડો થયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સોનાની આયાત દેશના ચાલુ ખાતાની ખાધ (સીએડી) ને અસર કરે છે. ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં સોનાની આયાત 15.8 અબજ અથવા રૂ. 1,10,259 કરોડ હતી.એ જ રીતે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન ચાંદીની આયાત પણ 63.4 ટકા ઘટીને 73.35 કરોડ ડોલર અથવા રૂ.5543 કરોડ થઇ ગઈ છે. સોના-ચાંદીની આયાતમાં ઘટાડો થવાને કારણે દેશની ચાલુ ખાતાની ખાધ ઓછી થઈ છે.

  આયાત અને નિકાસ વચ્ચેના તફાવતને સીએડી કહેવામાં આવે છે. એપ્રિલ-સપ્ટેમ્બરમાં સીએડી ઘટીને 23.44 અબજ ડોલર થઈ છે, જે ગયા નાણાકીય વર્ષના સમાન ગાળામાં 88.92 અબજ ડોલર હતી. ભારત વિશ્વના સૌથી મોટા સોનાના આયાતકારોમાંનો એક છે. અહીં સોનાની આયાત મુખ્યત્વે ઝવેરાત ઉદ્યોગની માંગને પહોંચી વળવા માટે છે. ભારત વાર્ષિક 800 થી 900 ટન સોનાની આયાત કરે છે. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં જેમ્સ અને જ્વેલરીની નિકાસ 55 ટકા ઘટીને 8.7 અબજ ડોલર થઈ છે.

(12:00 am IST)