Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

બિહાર ચુંટણી પહેલા કેન્દ્ર સરકારે આપી ઈલેક્ટોરેલ બોન્ડના વેચાણને મંજૂરી :આજથી જ ઉપલબ્ધ રહેશે

સ્ટેટ બેંકની કુલ 29 શાખાઓમાંથી ખરીદી શકાય: 15 દિવસ માટે માન્ય રહેશે.

નવી દિલ્હી : બિહારમાં ચૂંટણી પૂર્વે કેન્દ્ર સરકારે ચૂંટણી બોન્ડ અંગે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકાર દ્વારા ચૂંટણી બોન્ડની 14 મી શ્રેણીને મંજૂરી આપવામાં આવી છે, જે આજથી વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. નાણાં મંત્રાલયે જારી કરેલા હુકમ મુજબ 28 ઓક્ટોબર સુધી તેનું વેચાણ કરી શકાશે.

નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ, ચૂંટણી પંચે આ બોન્ડની આચારસંહિતાની શરતો સાથે વેચાણને મંજૂરી આપી દીધી છે. ચૂંટણી પંચના જણાવ્યા મુજબ કોઈપણ ભારતીય નાગરિક અથવા ઉદ્યોગપતિ આ બોન્ડ્સ ખરીદી શકે છે. તેને સ્ટેટ બેંકની કુલ 29 શાખાઓમાંથી ખરીદી શકાય છે, જે 15 દિવસ માટે માન્ય રહેશે.


આચારસંહિતાને ધ્યાનમાં રાખીને, ચૂંટણી પંચે કહ્યું છે કે કોઈ પણ નેતા અથવા રાજકીય પક્ષ તેમની જાહેર સભાઓમાં કે નિવેદનોમાં આ બોન્ડનો ઉલ્લેખ કરશે નહીં, અથવા કોઈને ફાળો આપવા કહેશે નહીં. આ પહેલનો ઉદ્દેશ રાજકીય કાર્યમાં અથવા રાજકીય પક્ષોને મળતા દાનમાં પારદર્શિતા લાવવાનો છે.

  કોઈપણ દાતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પાસેથી એક કરોડ રૂપિયા સુધીના ચૂંટણી બોન્ડ ખરીદીને તેની ઓળખ છુપાવી શકે છે અને તેની પસંદગીના રાજકીય પક્ષને દાન કરી શકે છે. આ સિસ્ટમ દાતાઓની ઓળખ જાહેર કરતી નથી અને તેને કરમાંથી પણ મુક્તિ અપાય છે. સામાન્ય ચૂંટણીમાં ઓછામાં ઓછો 1 ટકા મત મેળવનાર રાજકીય પક્ષ જ આ બોન્ડમાંથી દાન મેળવી શકે છે.

એક વ્યક્તિ, લોકોનું જૂથ અથવા કોર્પોરેટ બોન્ડ ઇશ્યુઅર મહિનાના 10 દિવસની અંદર એસબીઆઈની નિયુક્ત શાખાઓ પાસેથી ચૂંટણી બોન્ડ ખરીદી શકે છે. ઇશ્યુ થયાની તારીખથી 15 દિવસની વેલિડિટીવાળા બોન્ડ્સ 1000 રૂપિયા, 10,000, 1 લાખ, 10 લાખ અને 1 કરોડના ગુણકમાં જારી કરવામાં આવે છે. આ બોન્ડ્સ રોકડમાં ખરીદી શકાતા નથી અને ખરીદનારે બેંકમાં કેવાયસી ફોર્મ સબમિટ કરવું પડશે.

(10:03 am IST)