Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

INS વાલસુરા ખાતે તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડ અને વિદાય સમારંભ યોજાયા

મિત્ર રાષ્ટ્રોના 10 વિદેશી અધિકારીઓ સહિત 34 અધિકારીઓએ કોર્ષ 0- 173 પૂરો કર્યો

ભારતીય નેવીની અગ્રણી ઇલેક્ટ્રિકલ તાલીમ સંસ્થા INS વાલસુરાના પોર્ટલ્સ પરથી મિત્ર રાષ્ટ્રોના 10 વિદેશી અધિકારીઓ સહિત 34 અધિકારીઓએ ઇલેક્ટ્રિકલ સ્પેશિયલાઇઝશેન કોર્સ O-173 સફળતાપૂર્વક પૂરો કર્યો છે. આ તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડના આયોજન દરમિયાન ચીફ ઓફ મેટરિયલ વાઇસ એડમિરલ એસ.આર. શર્મા, AVSM VSMએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાલીમાર્થીઓને વિદાય સંબોધન આપ્યું હતું. એડમિરલે અધિકારીઓને સલાહ આપી હતી કે, તેઓ માણસોના વડા તરીકે પોતાની ફરજ નિભાવે ત્યારે 'ચેટવોડ મુદ્રાલેખ'માં સમાયેલા નીતિ- સિદ્ધાંતોને આત્મસાત કરે.

આ સંબોધન દરમિયાન, એડમિરલે એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે, ઓનબોર્ડ પડકારો માટે જવાનોને તૈયાર કરવાની ઇચ્છા સાથે, INS વાલસુરા ખાતે આપવામાં આવતી તાલીમે ટેકનોલોજીના ક્ષેત્રમાં ઝડપથી થઇ રહેલી પ્રગતિ સાથે કદમતાલ મિલાવ્યા છે. એડમિરલે INS વાલસુરાના સ્ટાફની પણ પ્રશંસા કરી હતી જેમણે કોવિડ-19 મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા પ્રતિબંધો વચ્ચે પણ, રાષ્ટ્રની ખંતપૂર્વક સેવા કરવા માટે જરૂરી એવા પોતાના પ્રબળ પ્રોફેશનલ કૌશલ્યો અને નેતૃત્ત્વના લક્ષણોની મદદથી તમામ તાલીમાર્થીઓને વાલસુરા ખાતે ચાલી રહેલી તાલીમમાં સંપૂર્ણપણે સજ્જ કરવા માટે અસરકારક રીતે સંચાલન કર્યું.

INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કોમડોર અજય પટનીએ કોર્સની પાસિંગ આઉટ પરેડ (POP)ની સમીક્ષા કરી હતી અને 95 અઠવાડિયાની પ્રોફેશનલ તાલીમ દરમિયાન શૈક્ષણિક, રમતગમતો તેમજ અભ્યાસક્રમ સિવાયની પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ટ પરફોર્મન્સ આપનારા તાલીમાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા. આંતરરાષ્ટ્રીય અધિકારીઓમાં મેરિટમાં પ્રથમ ક્રમે આવવા બદલ FOC-ઇન-C (સાઉથ) રોલિંગ ટ્રોફી અને બુક પ્રાઇઝ નાઇજિરિયન નેવીના લેફ્ટેનન્ટ કમાન્ડર અલીયુ સુલૈમાનને આપવામાં આવ્યા હતા જ્યારે 'શ્રેષ્ઠ ઓલ રાઉન્ડ ઓફિસર' તરીકેની પ્રતિષ્ઠિત રામનાથ ટ્રોફી SLt વિક્રાંત નાગપાલને એનાયત કરવામાં આવી હતી. કોર્સના એકંદરે મેરિટમાં પ્રથમ ક્રમે આવવા બદલ કમાન્ડર એ.આર. ખાંડેકર રોલિંગ ટ્રોફી અને બુક પ્રાઇઝ SLt જેકી મોદી અને અને 'શ્રેષ્ઠ સ્પોર્ટ્સમેન' માટે કમાન્ડિંગ ઓફિસર, INS વાલસુરા રોલિંગ ટ્રોફી SLt હર્ષવર્ષન મોહિતેને એનાયત કરવામાં આવી હતી

(10:30 am IST)