Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

કોરોનાનો બીજો રાઉન્ડ

ઈટાલીમાં રેકોર્ડબ્રેક કેસ, ફરી સ્કૂલો બંધ થશેઃ આવશે રાત્રી કફર્યુ

યુરોપમાં ઠંડી વધતા ફરી કોરોના વકર્યો

રોમ,તા. ૧૯: યુરોપમાં ફરીથી કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ઈટાલીમાં કોરોના વાયરસના કેસમાં આવેલા ઉછાળાના કારણે હવે દેશમાં રાત્રે ૧૦ વાગ્યાનો કર્ફ્યુ લાદવામાં આવી શકે છે. આ ઉપરાંત તમામ હાઈસ્કૂલ બંધ કરવામાં આવી શકે છે. શુક્રવારે ઈટાલીમાં સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા હતા. ઈટાલીમાં એક જ દિવસમાં ૧૦,૦૦૦થી વધુ લોકોને કોવિડ-૧૯દ્ગટ ચેપ લાગ્યો છે જેના કારણે સરકાર દ્વારા કર્ફ્યુ લાદવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે. રવિવારે સત્ત્।ાવાળાઓએ બેઠક કરી હતી અને કોરોનાને ફેલાતો અટકાવવા માટે કયા પગલા લેવા જોઈએ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કેફે, સિનેમાઘરો અને રેસ્ટોરન્ટ્સ બંધ કરવા ઉપરાંત લોકડાઉન લગાવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.

ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે ઈટાલીમાં પ્રોફેશન અને અમેચ્યોર એમ તમામ પ્રકારની ફૂટબોલ મેચો બંધ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત અત્યંત જરૂરી હોય તેવી મુસાફરીને જ મંજૂરી આપવામાં આવી શકે છે. જો, દેશમાં સ્થાનિક કેસમાં વધારો જોવા મળશે તો સરકાર હજી વધારે પ્રતિબંધો લાગુ કરી શકે છે.

યુરોપમાં સૌથી પહેલા ઈટાલીમાં કોરોનાનો હાહાકાર મચ્યો હતો. તેમાં પણ ફેબ્રુઆરીમાં લોમ્બાર્ડી સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું એપિસેન્ટર બન્યું હતું. હવે અહીં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેમાં એક જ દિવસમાં ૨,૦૦૦ નવા કેસ નોંધાયા છે. આલ્કોહોલના વેચાણને મર્યાદિત કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રમતો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને બિંગો પાર્લર્સ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. નવા નિયમ પ્રમાણે બાર્સમાં સાંજે છ પછી ફકત ટેબલ સર્વિસ જ ઉપલબ્ધ રહેશે અને જાહેર સ્થળોએ આલ્કોહોલના સેવન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. લોમ્બાર્ડીની જેમ કેમ્પેનિઆમાં પણ કેસ વધ્યા છે જેના કારણે બે સપ્તાહ સુધી સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે.

યુરોપના મોટા ભાગના દેશમાં ફરીથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જેના કારણે ફરીથી પ્રતિબંધો લાદવામાં આવી રહ્યા છે. જર્મનીમાં શનિવારે ૭,૮૪૦ નવા કેસ નોંધાયા હતા. ચાન્સેલર એન્જેલા મર્કલે લોકોને બિનજરૂરી મુસાફરી ન કરવાની, પાર્ટીઓ રદ્દ કરવાની અને શકય હોય તો દ્યરમાં જ રહેવાની અપીલ કરી છે. યુરોપિયન માપદંડ પ્રમાણે જર્મનીમાં અત્યાર સુધી કોરોનાનો ચેપ અને મૃત્યુઆંક ઓછો રહ્યો છે. જોકે, મર્કેલે ચેતવણી આપી છે કે જો વર્તમાન ટ્રેન્ડ ચાલું રહેશે તો પ્રતિ દિવસ ૧૯,૨૦૦ જેટલા કેસ નોંધાઈ શકે છે.

ફ્રાન્સમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે અને તેના કારણે નવા લોકડાઉનના નિયમોનું પાલન કરવા માટે ૧૨,૦૦૦ વધારાના પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. છેલ્લા સાત દિવસમાં કોરોનાના ૧,૪૨,૮૦૦ નવા કેસ નોંધાયા છે જે માર્ચથી મે દરમિયાન બે મહિનાના લોકડાઉનમાં નોંધાયેલા ૧,૩૨,૪૩૦ કેસ કરતા વધારે છે. પેરિસ અને અન્ય આઠ મોટા શહેરોમાં રેસ્ટોરન્ટ્સ, બાર્સ અને સિનેમાઘરો ૯ વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવી રહ્યા છે.

(11:32 am IST)