Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

બ્રિટનમાં નવા વર્ષ સુધીમાં કોરોનાની રસી તૈયાર થવાની આશા

ચીને ત્રણ શહેરોમાં રસીના ઇમર્જન્સી ઉપયોગની આપી મંજૂરી

નવી દિલ્હી તા. ૧૯ : બ્રિટનના સીનીયર ડોકટરોમાં સામેલ એક નિષ્ણાંતે સંકેત આપ્યા છે કે દેશમાં કોવિડ-૧૯ની રસી ઉપયોગ માટે નવા વર્ષની શરૂઆતમાં તૈયાર થવાની આશા છે. ઓકસફર્ડ યુનિવર્સિટીમાં એસ્ટ્રોજેનેકા દ્વારા બનાવાઇ રહેલ રસી ડિસેમ્બરમાં ક્રિસમસ પછી ઉપયોગ માટે તૈયાર થઇ શકે છે.

મળતી માહિતી અનુસાર ઇંગ્લેન્ડના ઉપમુખ્ય આરોગ્ય અધિકારી અને કોરોના વાયરસ વૈશ્વિક મહામારી અંગેના સરકારના સલાહકારોમાં સામેલ જોનાથન વાન ટોમે સાંસદોને આ માહિતી આપી હતી. ભારતમાં તેનો સીરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયા સાથે કરાર છે. વાન ટોમે ગયા અઠવાડિયે સાંસદોને માહિતી આપતા કહ્યું 'આપણે તેનાથી પ્રકાશવર્ષો જેટલા દૂર નથી અને તેનાથી હોસ્પિટલમાં દાખલ થનાર અને તેમના મોતની સંખ્યા પર બહુ અસર પડશે.'

વાન ટોમનું બયાન એવા સમયે આવ્યું છે, જ્યારે બ્રિટીશ સરકારે શુક્રવારે નવો કાયદો રજૂ કર્યો છે જેમાં કોવિડ-૧૯ની સંભવિત રસી મુકવા માટે મોટી સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓની ભરતીની પરવાનગી અપાઇ છે. આરોગ્ય અને સામાજીક દેખભાળ વિભાગે જણાવ્યું કે, આ નવા પગલાથી સંભવિત રસી લોકો સુધી પહોંચાડવામાં મદદ મળશે.

તો દુનિયાભરમાં કોવિડ-૧૯ની રસીને સમાનરૂપે વિતરણ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાના કોવેકસ ગઠબંધનમાં સામેલ થયાના થોડા દિવસો પછી ચીને પોતાની કોરોના વાયરસની રસીની ઇમર્જન્સી ઉપયોગની ત્રણ વધુ શહેરોમાં મંજૂરી આપી છે. સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે પોતાના સમાચારમાં કહ્યું કે, યીવુ, નિંગબો અને શાઓસિંગમાં અત્યારે કોવીડ-૧૯ સામે રસીકરણની અત્યંત આવશ્યકતા ધરાવતા મહત્વના સમુહોને આ મંજુરી અપાઇ છે. આ પહેલા જીયાસીંગ શહેરમાં આવી મંજૂરી અપાઇ હતી.

(11:31 am IST)