Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

દેશમાં બધાને રસી આપવી મોટો પડકાર

રસીના બે ડોઝ હશે : ૨૬૦ કરોડનું રસીકરણ કરવું પડશે : મહિને ૧૦ કરોડ લોકોને આપવી પડશે : નીલકેણી

રોજ ૩૦ લાખ લોકોને રસી દેવી પડશે

નવી દિલ્હી તા. ૧૯ : દુનિયાભરમાં કોરોનાની રસી વિકસીત કરવા માટે વિભીન્ન તબક્કામાં ચાલી રહેલ ટ્રાયલને જોતા એવી આશા છે કે આવતા વર્ષના મધ્ય સુધીમાં રસી ઉપલબ્ધ થઇ શકે છે. ભારત સરકારે પણ લોકોને રસી ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આઇટી દિગ્ગજ અને ઇન્ફોસીસના સહ-સંસ્થાપક નંદન નીલકેણીએ આધાર મોડલ પર આધારિત એક ડીઝીટલ પ્લેટફોર્મનો પ્રસ્તાવ કર્યો છે, જેની મદદથી દેશના ૧૩૦ કરોડ લોકોને રસી આપી શકાય.

ધ ઇન્ડીયન એકસપ્રેસના એકઝીકયુટીવ એડીટર (રાષ્ટ્રીય બાબતો) પી વૈદ્યનાથન ઐયર સાથેની વાતચીતમાં નંદન નીલકેણીએ દેશમાં કોરોના રસીકરણના પડકારો અંગે જણાવ્યું. તેમણે જણાવ્યું કે મને લાગે છે કે રસીકરણ એક મોટું મિશન બનશે. અમે આધાર રજીસ્ટ્રેશન સીસ્ટમ ડેવલપ કરી હતી અને તેને એક દિવસમાં ૧૫ લાખ લોકોના રજીસ્ટ્રેશન માટે ડીઝાઇન કરવામાં આવી હતી. તેમ છતાં આપણને બધા લોકો સુધી પહોંચવામાં સાડા પાંચ વર્ષ લાગી ગયા હતા. આમાં તો આપણે આખી વસ્તીને બે વર્ષમાં રસીકરણ કરવાનું છે.

તેમણે જણાવ્યું કે, રસીના બે ડોઝ હશે તો આપણે ૨૬૦ કરોડ રસીકરણ કરવા પડશે. નક્કી સમયમર્યાદાની વાત કરીએ તો એક વર્ષમાં ૧૩૦ કરોડ લોકોનું રસીકરણ કરવું પડશે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે આપણે દર મહિને ૧૦ કરોડથી વધારે એક દિવસમાં ૩૦ લાખથી વધારે લોકોનું રસીકરણ કરવું પડશે. એટલે તે અત્યંત પડકારરૂપ અને આપણા ઇતિહાસમાં અભૂતપૂર્વ બનશે.

(11:31 am IST)