Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ભારતના લોકોની આંખો નબળી પડી રહી હોવાનો ધડાકો

૧૯૯૦માં ૪ કરોડ લોકો હતા જેમને જોવાની પરેશાની હતી હવે આ સંખ્યા થઇ છે ૭.૯ કરોડઃ ૧૩ કરોડ ભારતીયો નજીકની ચીજવસ્તુઓ પર ફોકસ કરી નથી શકતા : ૭૦% નેત્રહીન એવા છે જેમની ઉંમર ૫૦થી વધુ છે

નવી દિલ્હી તા. ૧૯ : ભારતમાં લોકોની આંખો નબળી પડી રહી છે. છેલ્લા ૩૦ વર્ષમાં ઓછું જોનારા લોકોની સંખ્યા બમણી થઇ છે. ભારતમાં ૭.૯ કરોડ લોકો એવા છે જેમની નજર નબળી છે. ૩૦ વર્ષમાં આવા લોકોની સંખ્યા બમણી થઇ છે. જેઓ નેત્રહીન થવાનો ખતરાનો સામનો કરી રહ્યા છે. ૧૯૯૦માં દેશમાં ૪ કરોડ લોકો એવા હતા જેમની નજરમાં હળવા અને ભાષી દોષ (એમએસવીઆઇ) હતું એટલું જ નહિ નજીકની ચીજો પર ફોકસ કરવાની ક્ષમતા પણ ૧૩ કરોડથી વધુ ભારતીયોની આંખોમાં નથી બચી. બે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વિઝન લોસ એકસપર્ટ ગ્રુપ અને ઇન્ટરનેશન એજન્સી ફોર ધી પ્રિવેન્શન ઓફ બ્લાઇન્ડનેશ દ્વારા આ આંકડા જારી કરવામાં આવ્યા છે.

નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે મામુલી અને ગંભીર દ્રષ્ટિ દોષનું કારણ છે ભારતીયોની વધતી જીવન પ્રત્યાસા. ૧૯૯૦માં જ્યાં ભારતીયોની સરેરાશ વય ૫૯ વર્ષ હતી તે ૨૦૧૯માં ૭૦ વર્ષની થઇ ગઇ છે. છેલ્લા આંકડાઓ જણાવે છે કે, દેશના ૭૦ ટકા નેત્રહીન ૫૦ વર્ષથી વધુ ઉંમરના છે આ સિવાય ડાયાબિટીઝના દર્દીઓમાં પણ નેત્રહીનતાની ફરીયાદો વધી છે. દર ૬માંથી એક આવા દર્દી આ બિમારીનો સામનો કરી રહ્યા છે. ચીનમાં ૧૧.૬ કરોડ આવા દર્દીઓ છે તો ભારતમાં ૭.૭ કરોડ ડાયાબીટીઝના દર્દીઓ છે.

ભારતમાં નિયર વિઝન લોસના કેસ છેલ્લા ૩૦ વર્ષમાં બમણાથી પણ વધુ થયા છે. ૧૯૯૦માં ૫.૭૭ કરોડ લોકોને આ સમસ્યા હતી. તો ૨૦૧૯માં ૧૩.૭૬ કરોડ ભારતીયો નિયર વિઝન લોસનો શિકાર હતા. વિશ્વમાં નેત્રહીનોની સૌથી વધુ વસ્તી ભારતમાં છે. ભારતમાં ૯૨ લાખ લોકો જોઇ નથી શકતા જ્યારે ચીનમાં આવા લોકો ૮૯ લાખ છે.

(12:36 pm IST)