Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગુજરાતમાં શાળાઓ કયારે શરૂ કરી શકાય? નિષ્ણાત ડોકટરોનો આ અંગે અભિપ્રાય શું છે?

દિવાળી પછી શાળાઓ ખોલવા ચર્ચા ચાલી રહી છે ત્યારે

નવી દિલ્હી, તા.૧૯: શિક્ષણ જગતના વર્તુળોમાં ચર્ચા છે કે, દિવાળી પછી ગુજરાતમાં મર્યાદિત સ્કૂલો ખોલવાની પરવાનગી આપવામાં આવશે. જો કે, તાજેતરમાં જ ઈન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિકસ (IAP)એ બહાર પાડેલી ગાઈડલાઈન્સ મુજબ, જિલ્લામાં પોઝિટિવિટ દર ૫ ટકાથી નીચો રહે ત્યારે જ સ્કૂલો ખોલવી સલાહનીય છે. મતલબ કે, ૧૦૦ લોકોના ટેસ્ટ થાય તેમાંથી માત્ર ૫નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવવો જોઈએ.

IAP ૨૦૨૧ના એકિઝકયુટિવ બોર્ડ મેમ્બર અને અમદાવાદના પીડિયાટ્રિશિયન ડો. ચેતન ત્રિવેદીએ કહ્યું, 'જે સામાન્ય સ્થિતિનું અસ્તિત્વ જ નથી ત્યાં પાછા જવાની ઉતાવળ ના કરવી જોઈએ. સ્કૂલો સેનિટાઈઝિંગ અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરશે, એ વાત બરાબર પણ કલાસરૂમની બહાર વિદ્યાર્થીઓ વાતો કરવા ટોળે વળશે તેનું શું? નાના વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારના નિયમોનું પાલન કરવું અશકય છે.

અમદાવાદની એકેડમી ઓફ પીડિયાટ્રિકસ (AoP)ના પ્રમુખ ડો. દિપેશ પૂજારાએ કહ્યું, 'યુરોપના કેટલાક દેશોમાં કોરોનાની બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ જ સ્થિતિ ભારતમાં પણ થઈ શકે છે કારણકે આગામી મહિનાઓમાં શિયાળો શરૂ થશે અને ઠંડીમાં વાયરસ વધુ ફેલાય છે તેમ માનવામાં આવે છે. તેમ છતાં જો સ્કૂલો શરૂ કરવી જ હોય તો પ્રાયમરીના વિદ્યાર્થીઓને આ શૈક્ષણિક વર્ષ પૂરતા શાળાએ ના જ બોલાવવા જોઈએ.

અમદાવાદના વધુ એક પીડિયાટ્રિશિયન ડો. નિશ્યલ ભટ્ટે કહ્યું, 'બાળકોમાં કોરોનાનો ફેલાવો અલ્પતમ છે. કોરોનાના અપ્રગટ વાહક તરીકે તેમની ભૂમિકા નકારી શકાય નહીં. બાળકો કોરોનાથી સંક્રમિત ના થાય તો પણ તેઓ આ વાયરસના સંપર્કમાં આવ્યા હોય તો ઘરના વડીલોને સંક્રમિત કરી શકે છે. બાળકોમાં શરદી કે તાવના લક્ષણો જોવા મળે તો તેમણે સ્કૂલે ના જવું જોઈએ.'

૧૨ ઓકટોબરના રોજ ઈન્ડિયન પીડિયાટ્રિકસ જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં ઉલ્લેખ હતો કે, સ્થાનિક મહામારીના માપદંડો અનુકૂળ હોય, વહીવટદારો પાસે પૂરતું ઈન્ફ્રાસ્ટ્રકચર હોય અને 'ન્યુ નોર્મલ'ને સ્વીકારવા વાલીઓ અને વિદ્યાર્થીઓ તૈયાર હોય તો જ સ્કૂલો ફરી ખોલવી જોઈએ. નિષ્ણાતોની સલાહ મુજબ, અભ્યાસક્રમનું પુનરાવર્તન એવી રીતે કરવું જોઈએ જેથી હાલની વ્યવસ્થામાં વધારો અને શીખવાની અનૌપચારિક પદ્ઘતિઓ પર ભાર મૂકાય.

ઉદ્ગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એકિઝકયુટિવ ડાયરેકટર મનન ચોકસીએ કહ્યું, 'આંતરિક સર્વે પરથી જાણવા મળ્યું હતું કે, વર્તમાન સ્થિતિમાં ૮૪ ટકા વાલીઓ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા તૈયાર નથી. વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે કહ્યું, તેમણે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે, પ્રવર્તમાન સ્થિતિમાં બાળકોને સ્કૂલે મોકલવા અવહેવારુ છે.

સ્કૂલો કયારે ખુલવી જોઈએ?

. બે અઠવાડિયા સુધી જિલ્લામાં નવા કેસમાં સતત ઘટાડો થવો જોઈએ.

. બે અઠવાડિયા સુધી કેસનો પોઝિટિવિટી દર ૫ ટકાથી ઓછો હોવો જોઈએ.

. છેલ્લા બે અઠવાડિયામાં જિલ્લામાં પ્રતિ લાખની વસ્તીએ નવા કેસોનો આંકડો ૨૦થી ઓછો હોવો જોઈએ.

. નવા નિયમો સાથેના ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્ટાફની ટ્રેનિંગ, સ્વાસ્થ્ય અને હાઈજિનની સુવિધાઓ સાથે સ્કૂલો તૈયાર હોવી જોઈએ.

સ્કૂલો કેવી રીતે ખોલવી?

. મોટા વિદ્યાર્થીઓને પહેલા બોલાવીને બેચમાં સ્કૂલ ખોલવી જોઈએ. વિદ્યાર્થીઓને અલગ-અલગ બેચમાં જુદા-જુદા સમય અથવા દિવસોએ નિશ્યિત સમય માટે બોલાવવા જોઈએ.

. કલાસરૂમના બારી-બારણાં ખુલ્લા રાખવા જોઈએ જેથી હવાની અવરજવર થઈ શકે અને એસી બંધ રાખવા જોઈએ. ભણાવવા માટે શાળાના મેદાન કે બહારની ખુલ્લી જગ્યા વધુ યોગ્ય છે.

. શાળામાં બે વ્યકિત વચ્ચે ઓછામાં ઓછું ૧ મીટરનું અંતર હોય તે સુનિશ્યિત કરવું. સ્કૂલોના દરવાજા, પ્રાર્થના ખંડ, ટોઈલેટ, લાઈબ્રેરી અને રિસેસ દરમિયાન વિદ્યાર્થીઓની ભીડ એકઠી ના થાય તેનું નિરીક્ષણ કરવું.

. શાળાના કલાકો દરમિયાન ખાવું અથવા મિત્રો સાથે નાસ્તો વહેંચવા જેવી પ્રવૃત્તિ ટાળવી જોઈએ.

. ગ્રુપમાં થતી પ્રવૃત્ત્િ।ઓ અને ટીમ સ્પોર્ટ્સનું આયોજન ના કરવું.

સેનિટાઈઝેશન અને હાઈજિનનું ધ્યાન રાખવું

. સ્કૂલનું બિલ્ડિંગ, કલાસરૂમ, જિમ, સ્પોર્ટ્સ સેન્ટર, ટોઈલેટ વગેરેને નિયમિતરૂપે સાફ કરવા અને સેનિટાઈઝ કરવા જોઈએ. વારંવાર હાથ લાગતો હોય તેવી જગ્યાઓ જેવી કે, દરવાજાના હેન્ડલ, ડેસ્ક વગેરેને રોજ ડિસઈન્ફેકટ કરવા જોઈએ.

. સેનિટાઈઝેશનના ફૂટ-ઓપરેટેડ (પગથી સંચાલિત થઈ શકે તેવા) સાધનો યોગ્ય રીતે અને મુકતપણે ઉપલબ્ધ કરાવવા જોઈએ.

. બધા જ વિદ્યાર્થીઓ માટે કોટનના થ્રી-લેયર માસ્ક ફરજિયાત હોવા જોઈએ.

. લક્ષણો દેખાતા હોય તેવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ ના આપવો જોઈએ.

(2:50 pm IST)