Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

હમ નહીં સુધરેંગે...

અટલ ટનલ લોકો માટે ખુલ્લી મુકાઈને હજુ થોડાજ દિવસો થયા છે ત્યાં જામી ગયા ગંદકીના ગંજ

નવી દિલ્હી, તા.૧૯: જેટલું નુકસાન પ્રકૃતિએ માનવીને નથી પહોંચાડ્યું તેનાથી અનેક ગણું વધુ નુકસાન માનવીએ પ્રકૃતિને પહોંચાડ્યું છે. પ્રદૂષણના કારણે ગ્લોબલ વોર્મિંગની અસરો દેખાઈ રહી છે છતાં માનવી સુધરી રહ્યો નથી. કોરોના વાયરસના કારણે લાગુ કરાયેલા લોકડાઉનથી માર્ચ મહિનાથી ભારતીયોને ઘરમાં બંધ રહેવું પડ્યું હતું. ત્રણ મહિના બાદ લોકડાઉન તો હટ્યું પરંતુ ઘણા બધા પ્રતિબંધો હતા. હવે ધીમે-ધીમે પ્રતિબંધો હટતા ટુરિસ્ટ ડેસ્ટિનેશન ખુલી રહ્યા છે. આ વચ્ચે અમુક અઠવાડિયા પહેલા જ મનાલીમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હવે આ ટનલ પણ ટુરિસ્ટ સ્પોટ બની ગઈ છે. અને મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે આવી રહ્યા છે. હાલમાં રોહતાંગ પાસની એક તસવીર સામે આવી છે, જેમાં નદીની બાજુમાં પાણીની ખાલી બોટલો, પ્લાસ્ટિકની કોથળીઓ સહિત ઘણો બધો કચરો પડેલો જોવા મળી રહ્યો છે.દેશભરમાં કોરોનાની મહામારી બાદ ધીમે-ધીમે ટુરિઝન ઈન્ડસ્ટ્રી શરૂ થઈ રહી છે. મનાલી-લેહ હાઈવે પર દેશની સૌથી લાંબી અટલ ટનલનું ઉદ્ઘાટન થયા બાદ મોટી સંખ્યામાં લોકો અહીં રહ્યા છે. જોકે લોકોના આવવા સાથે જ લાહૌલ વેલીમાં રોડની બાજુમાં કચરાના ઢગલા પણ થવા લાગ્યા છે. પર્યટકો પોતાની ઈચ્છા મુજબ, ગમે ત્યાં પાણી અને દારૂની ખાલી બોટલો, તથા નાસ્તાના પેકેટ્સ ફેંકી રહ્યા છે. આ ઉપરાંત મહિલાઓની છેડતી તથા ચોરીની પણ કેટલીક ફરિયાદો સામે આવી છે.આઉટલુક ઈન્ડિયાને સ્થાનિક સોશિયલ ગ્રુપના સભ્ય પ્રેમ કટોચે જણાવ્યું કે, જો લોકોને અટકાવીને ચેક કરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ખરાબ થશે અને આ બાબતે અમે પોતાનો ભય વ્યકત કરી ચૂકયા છીએ. લાહૌલ સમાજ એક ખૂબ જ નમ્ર અને આતિથ્યશીલ છે. અમે ઈચ્છીએ છીએ કે ટુરિસ્ટ અહીંની મુલાકાત લે પરંતુ કાયદો તોડીને ખાસ કરીને સ્વચ્છતા સાથે સમાધાન કરીને ઉપદ્રવ ફેલાવે તેમ નથી ઈચ્છતા.ટુરિસ્ટ રોહતાંગ પાસ પાસે મોટી સંખ્યામાં આવવાના કારણે વિસ્તારમાં પ્રદૂષણ પણ વધ્યું છે. એકિટવિસ્ટ્સ કહે છે કે વિસ્તારમાં કચરાપેટીની અછત છે અને આથી આ તમામ કચરો ચંદ્રા નદીમાં જતો રહે છે. જયારે રાજયના ટુરિઝમ સેક્રેટરી દિવ્યેશ કુમારે કહ્યું કે, ટુરિસ્ટ્સ માટે ખાસ સુવિધાઓ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલું છે.

(3:39 pm IST)