Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

સ્‍કોટલેન્‍ડની બિસ્‍કીટ બનાવતી કંપનીમાં બિસ્‍કીટ ચાખવા માટે કર્મચારીને નોકરીની ઓફરઃ વર્ષે 40 લાખના પગારનું પેકેજ

નોકરી મેળવવા માટે વ્યક્તિએ કેટલી મહેનત કરવી પડતી હોય છે. પરંતુ જો તમને 40 લાખ રૂપિયાનું પેકેજ માત્ર બિસ્કિટ ચાખવા માટે મળી જાય તો કેવી મજા પડી જાય. તમને એમ થતું હશે આ તો મજાક કહેવાય. આવી કોઈ નોકરી હોય? પરંતુ આ બિલકુલ સાચી વાત છે. સ્કોટલેન્ડની એક બિસ્કિટ બનાવનારી કંપની બોર્ડર બિસ્કિટે માસ્ટર બિસ્કિટિયરના પદ માટે એપ્લિકેશન ફોર્મ કાઢ્યું છે. જેમાં બિસ્કિટ ચાખવા માટે નોકરી ઓફર કરાશે. વાર્ષિક પેકેજ 40 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 40 લાખ રૂપિયા મળશે.

કેન્ડિડેટનું સિલેક્શન

બોર્ડર બિસ્કિટ કંપની એક ફેમિલી રન બિસ્કિટ મેન્યુફેક્ચરર કંપની છે. જેને તેના લેટેસ્ટ બિસ્કિટને ચાખવા માટે વ્યક્તિની તલાશ છે. તમે વિચારતા હશો કે બિસ્કિટ ચાખવું તો ખુબ સરળ કામ છે. કોઈ પણ ચાખીને નોકરી લઈ શકે છે. પરંતુ થોભો. તમને જણાવીએ કે આ જોબ માટે એ જ વ્યક્તિની પસંદગી થશે જેનામાં સ્વાદ અને બિસ્કિટ પ્રોડક્શનની ઊંડી સમજ હશે અને લિડરશીપ તથા કોમ્યુનિકેશન સ્કિલ શાનદાર હશે.

જોબમાં મળશે આ સુવિધાઓ

બોર્ડર બિસ્કિટ કંપની જે કેન્ડિડેટને ઈન્ટરવ્યુમાં પસંદ કરશે તેને વર્ષમાં 35 દિવસની રજાઓ મળશે. ઈન્ડિપેન્ડન્ટ વેબસાઈટના અહેવાલ મુજબ સિલેક્ટ થયેલા કેન્ડિડેટને આ સાથે જ આખું વર્ષ ફ્રીમાં બિસ્કિટ ખાવા પણ મળશે. આ જોબ એક ફૂલટાઈમ જોબ છે.

કંપનીનું શું છે કહેવું

બોર્ડર બિસ્કિટના એમડી પોલ પાર્કિંગ્સના જણાવ્યા મુજબ કંપની દેશભરના લોકોને અપ્લાય કરવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. તેમનું એમ પણ કહેવું છે કે કેટલાક સારા કેન્ડિડેટ્સને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. એ જ રીતે કંપનીમાં હેડ ઓફ બ્રાન્ડ સૂજી કાર્લોનું કહેવું છે કે કંપની કસ્ટમર્સને સૌથી શાનદાર સ્વાદ અને ક્વોલિટીના  બિસ્કિટ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિબદ્ધ છે.

(4:47 pm IST)