Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

જમ્મુને ચીનનો હિસ્સો દર્શાવતા લોકો ટ્વિટર પર ભડકી ઉઠ્યા

ટ્વિટર પણ લોકોના નિશાના પર આવી ગયું : ટ્વિટરે ભૂગોળ બદલવાનો નિર્ણય કર્યો હોય એમ જમ્મુ કાશ્મીરને ચીનનો હિસ્સો જાહેર કરી દેતા ભારે વિવાદ

નવી દિલ્હી,તા.૧૯ : હવે માઇક્રોબ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પણ લોકોના નિશાના પર આવી ગયું છે. મૂળે ટ્વિટર ઈન્ડિયાએ એક સ્થળે જમ્મુ-કાશ્મીરને ચીનના હિસ્સાના રૂપમાં દર્શાવ્યું છે. ત્યારબાદ ઇન્ટરનેટ પર ટ્વિટરની આ હરકતને લઈ લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. કેટલાક લોકોએ ટ્વિટર ઈન્ડિયાના અધિકારીઓની ધરપકડ કરવા સુધીની માંગ કરી છે. ટ્વિટરની આખ હરકત બાદ આ મુદ્દાને ઓબ્જર્વર રિસર્ચ ફાઉન્ડેશનના કંચન ગુપ્તાએ ઉઠાવ્યો. કંચન ગુપ્તાએ ટ્વિટમાં લખ્યું કે, ટ્વિટરે હવે ભૂગોળ બદલવાનો નિર્ણય કરી લીધો છે.

             તેણે જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો જાહેર કરી દીધો છે. આ ભારતીય કાયદાનું ઉલ્લંઘન નથી તો બીજું શું છે? શું અમેરિકાની કંપની કાયદાથી ઉપર છે? એક લાઇવ બ્રોડકાસ્ટમાં જમ્મુ-કાશ્મીરને ચીનનો હિસ્સો દર્શાવ્યા બાદ ઊભા થયેલા વિવાદ પર ટ્વિટરના પ્રવક્તાએ કહ્યું કે, અમે રવિવારે થયેલી આ ટેકનીકલ સમસ્યાથી અવગત છીએ. અમે તેને સમજીએ છીએ અને તેની સંવેદનશીલતાનું સન્માન કરીએ છીએ. અમારી ટીમે તેની તપાસ કરી અને જિયોટેગની આ સમસ્યાને ઉકેલી દીધી છે. એક યૂઝરે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે ભારતને આ મામલામાં શાંત ન બેસવું જોઈએ. ટ્વિટર ઈન્ડિયાના ભારતીય પ્રબંધનમાં સામેલ લોકોની ધરપકડ કરવી જોઈએ. તેની પર પ્રતિબંધ લગાવી દેવો જોઈએ.

(7:30 pm IST)