Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

દેશમાં ખાંડનું ઉત્પાદન નવી સિઝનમાં 13 વધીને 310 લાખ ટન થશે ;ઈસ્માનો અંદાજ

શેરડીના વાવેતરમાં વૃદ્ધિ તેમજ ઉત્પાદન વધવાથી ખાંડના ઉત્પાદન અંદાજને જૂનની તુલનામાં વધારાયો

મુંબઇઃ દેશમાં નવી સીઝન 2020-21 દરમિયાન ખાંડનું ઉત્પાદન 310 લાખ ટન રહેવાનો પ્રથમ ઉત્પાદન અંદાજ ઇન્ડિયન સુગર મિલ્સ એસોસિએશન (ઇસ્મા) એ જારી કર્યો છે. ઇસ્માએ જૂનમાં આરંભિક અંદાજ હેઠળ 305 લાખ ટન ખાંડના ઉત્પાદનની સંભાવના વ્યક્ત કરી હતી.

 અત્રે ઉલ્લેખનિય છે કે, 1 ઓક્ટબરથી શરૂ થયેલા નવા સુગર વર્ષમાં શેરડીની ખેતી 52.68 લાખ હેક્ટરમાં થઇ છે જે પાછલી વર્ષ 48.21 લાખ હેક્ટરમાં થઇ હતી. આવી રીતે શેરડીની ખેતે પાછલા વર્ષની તુલનામાં નવ ટકા વધી છે. શેરડીના વાવેતરમાં વૃદ્ધિ તેમજ ઉત્પાદન વધવાથી ખાંડના ઉત્પાદન અંદાજને જૂનની તુલનામાં વધારવામાં આવ્યો છે.

ઇસ્માના મતે ઉત્તરપ્રદેશમાં શેરડીની ખેતી 23.21 લાખ હેક્ટરની તુલનામાં સાધારણ ઘટીને 23.07 લાખ હેક્ટર રહી છે. મહારાષ્ટ્રમાં શેરડીનું વાવેતર વર્ષ 2020-21માં 48 ટકા વધ્યુ છે. ઇસ્માના મતાનુસાર મહારાષ્ટ્રમાં નવી સુગર સીઝનમાં 108.02 લાખ ટન ખાંડનું ઉત્પાદન થવાની સંભાવના છે જે વર્ષ 2019-20માં 61.68 લાખ ટન હતી. ઉત્તર પ્રદેશમાં ખાંડનું ઉત્પાદન 124.57 લાખ ટન થવાનો અંદાજ છે જે પાછલા વર્ષે 126.37 લાખ ટન હતુ. કર્ણાટકમાં શેરડીનું વાવેતર 4.20 લાખ હેક્ટરથી વધીને 5.01 લાખ હેક્ટરે પહોંચ્યુ છે તેમજ રાજ્યમાં ખાંડનું ઉત્પાદન 46.04 લાખ ટન થવાની સંભાવના છે. રાજ્યમાં પાછલી સીઝનમાં ખાંડનું ઉત્પાદન 34.96 લાખ ટન હતુ.

તમિલનાડુમાં ખાંડનું ઉત્પાદન ચાલુ સીઝનમાં 7.51 લાખ ટન રહેવાની સંભાવના છે જે પાછલા વર્ષે 7.90 લાખ ટન હતુ. ગુજરાતમાં ખાંડનું ઉત્પાદન ચાલુ વર્ષે 9.32 લાખ ટનની તુલનામાં 10.81 લાખ ટન રહેવાનો અંદાજ છે. અન્ય રાજ્યોમાં ખાંડનું ઉત્પાદન પાછલા સીઝનના સમાન 33.28 લાખ ટન રહેવાની ધારણા છે. આવી રીતે ઇસ્મા એ શેરડીની ખેતી તેમજ ઉપલબ્ધતાના આધારે ખાંડ સીઝન વર્ષ 2020-21માં ખાંડનું ઉત્પાદન 330.23 લાખ ટન રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે પરંતુ શેરડીનો રસ મોલાસીસ માંથી ઇથેનોલ બનાવવામાં જવાનું હોવાથી ખાંડનું ઉત્પાદન વર્ષ 2020-21માં 20 લાખ ટન ઘટશે. આવી રીતે આ ઉત્પાદન 310 લાખ ટનની આસપાસ રહેશે. 1 ઓક્ટબર 2020ના રોજ ખાંડનું ઓપનિંગ સ્ટોક 106.4 લાખ ટનની આસપાસ રહ્યુ. આ સ્ટોક 1 ઓક્ટબર 2019ના ઓપનિંગ સ્ટોકથી 39 લાખ ટન ઓછુ છે.

 

(9:46 pm IST)