Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કાશ્મીરી પંડીતોને પાછા લાવવા બધી સરકારોએ કહ્યુ પણ સુરક્ષાનો માહોલ કોઇએ ન બનાવ્યો

ત્રણ દાયકાથી ખંઢેર જેવા બની ગયેલ મકાનોમાં કાશ્મીરી પંડીતો પાછા ફરશે કે કેમ? કયારે પાછા ફરશે? એ આવનારો સમયજ કહેશે

જમ્મુ તા. ૧૯ : છેલ્લા ૩૧ વર્ષથી પોતાના જ દેશમાં નિર્વાસીત જીવન જીવી રહેલ લાખો કાશ્મીરી વિસ્થાપિતોનું એ દુર્ભાગ્ય છે કે તેમની કાશ્મીર વાપસી પ્રત્યેક સરકારની પ્રાથમિકતા રહી પરંતુ એ માટેનો માહોલ કોઇએ બનાવ્યો નથી. વર્તમાન સરકારનું પણ એવુ જ રહ્યુ. કાશ્મીરમાં અત્યારે સુરક્ષા સ્થિતી એવી નથી કે કાશ્મીરી વિસ્થાપિતોને પરત મોકલી શકાય.

૧૯૮૯ ની શરૂઆતમાં આતંકી હીંસામાં ખુબ ઝડપથી કાશ્મીરી પંડીતોને કાશ્મીર ઘાટી છોડી જવા મજબુર કરાયા હતા. અંદાજીત ૩ લાખ આવા લોકોએ કાશ્મીર છોડી દીધુ હતુ. ત્યાર પછીની દરેક સરકાર એવુ કહેતી આવી કે કાશ્મીરી પંડીતોને આતંકીઓના ત્રાસથી કાશ્મીર છોડવુ પડયુ. જયારે એક માત્ર મુફતી સરકારે એવુ કહ્યુ હતુ કે પંડીતોએ તેમની મરજીથી કાશ્મીર છોડયુ હતુ.

હવે તેઓ મરજીથી કાશ્મીર છોડી ગયા કે આતંકીઓના ત્રાસથી એ વાતને જવા દઇએ તો તેમની વાપસી માટે કેમ હજુ સુધી કઇ કરવામાં ન આવ્યુ? તે મોટો સવાલ છે. આજ ૩૧ વર્ષ પછી પણ તેમને પાછા કાશ્મીરમાં સ્થાયી કરવા કોઇએ નકકર કામ કર્યાનું જણાતુ નથી.

વર્તમાન પ્રશાસનના કેટલાય અધિકારીઓ એ વાતનો સ્વીકાર કરે છે કે કાશ્મીરી વિસ્થાપિતોની વાપસી માટે પહેલા જમીની વાસ્તવીકતાઓનો સામનો કરવો પડશે. કેમ કે પાછા ફરનાર આવા લોકોને રહેવા અને તેમની સુરક્ષા માટે વ્યવસ્થા કરવી ખુબ કપરી બની રહે તેમ છે.

કાશ્મીરી પંડીતો તેમના ખંઢેર જેવા બની ગયેલ મકાનોમાં પાછા ફરશે કે કેમ? કયારે પાછા ફરશે? આવા બધા સવાલોનો જવાબ આવનારો સમય જ આપશે.

(2:59 pm IST)