Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ચીનમાં ગામ વસાવવા અને ભારતીય સરહદ નજીક મિલીટ્રી બેઝ બનાવવા કોઇ નવી વાત નથીઃ 80ના દાયકાથી આજ સુધી ચીન આવુ જ કરે છે, આપણે કોંગ્રેસ શાસનની ખરાબ નીતિઓના કારણે નુકશાન ભોગવી રહ્યા છીએઃ અરૂણાચલ પ્રદેશ ભાજપના સાંસદ તાપિર ગાઓએ કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યાᅠ

નવી દિલ્હી: ચીન LAC પર ઝડપથી કન્સ્ટ્રક્શન વર્ક કરી રહ્યું છે અને તાજેતરમાં તેના ફોટા પણ વાયરલ થયા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ચીને અરુણાચલ પ્રદેશમાં ભારતીય સીમાની 4.5 કિલોમીટર અંદર ગામ વસાવ્યું છે. ચીન તરફથી નવું ગામ વસાવવાના સમાચાર અંગે અરુણાચલ પ્રદેશ ભાજપના સાંસદ તાપિર ગાઓએ મંગળવારે કોંગ્રેસ પર પલટવાર કર્યો છે.

તાપિર ગાઓનું કહેવું છે કે, ચીનમાં ગામ વસાવવા અને ભારતીય સરહદ નજીક મિલિટ્રી બેઝ બનાવવા કોઈ નવી વાત નથી. 80ના દાયકાથી આજ સુધી ચીન સતત આવું કરી રહ્યું છે. આજે આપણે કોંગ્રેસ શાસનની ખરાબ નીતિઓના કારણે નુક્સાન ભોગવી રહ્યાં છે.

ભાજપ સાંસદ તાપિર ગાઓએ ચીનની નાપાક હરકત માટે કોંગ્રેસની પૂર્વ સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી છે. તેમણે જણાવ્યું કે, ચીન 80ના દાયકાથી રસ્તાઓનું નિર્માણ કરી રહ્યું છે. તેણે લોંગ્જૂથી માજા સુધી રસ્તો બનાવ્યો.

કોંગ્રેસની નીતિઓ પર આકરા પ્રહાર કરતાં તાપિરે જણાવ્યું કે, રાજીવ ગાંધીના શાસન દરમિયાન ચીને તવાંગમાં સૂમદરોગ ચૂ ઘાટી પર કજ્બો જમાવી લીધો. તે સમયે તત્કાલીન આર્મી ચીફે એક ઑપરેશનની યોજના બનાવી હતી, પરંતુ રાજીવ ગાંધીએ તેમને PLA (ચીની સૈનિકો)ને પરત ખદેડવાની યોજના પર કામ કરવાની મંજૂરી નહતી આપી.

BJP સાંસદનું કહેવું છે કે, કોંગ્રેસની સરકારોએ સરહદ સુધી રસ્તાઓનું નિર્માણ નહતું કર્યું. જેના કારણે 3-4 કિલોમીટર સુધી બફર ઝોન છૂટી ગયો. જે વિસ્તાર પર ચીને કબ્જો જમાવી લીધો. ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં ગામ વસાવવું કોઈ નવી વાત નથી. તો કોંગ્રેસ તરફથી વારસામાં મળ્યું છે. સાથે ગાઓએ બીસા અને માજા વચ્ચે એક મિલિટ્રી બેઝ બનાવવાનો અને હાઈડ્રો પાવર બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો.

જણાવી દઈએ કે, ચીન દ્વારા અરુણાચલ પ્રદેશમાં વસાવવામાં આવેલા ગામના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીને અરુણાચલ પ્રદેશમાં ભારતીય સરહદના 4.5 કિમી અંદર ગામ વસાવ્યું છે. વિસ્તાર અરુણાચલ પ્રદેશના સુબનગિરી જિલ્લામાં આવેલો છે. ગામની સેટેલાઈટ તસ્વીરોમાં જોઈ શકાય છે કે, ગામમાં પહોળા રસ્તા અને બહુમાળી ઈમારતોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

કહેવાય છે કે, ચીની ગામમાં લગભગ 101 ઘર બનાવવામાં આવ્યા છે. જેમાં ચીની નાગરિકોને વસાવવામાં આવ્યા છે અને ઘરોના ઉપર ચીની ઝંડો પણ ફરકાવવામાં આવ્યો છે.

(5:09 pm IST)