Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલના નાના ભાઈ અંકુર અગ્રવાલનું રહ્સ્યમય મોત

ફેક્ટરીની નજીક ખેતરમાંથી મૃતદેહ મળ્યો : સહારનપુરના પિલખનીમાંથી ગોળી વાગેલી હાલતમાં મૃતદેહ મળ્યો : હત્યા કે આત્મહત્યા અંગે ઘૂંટાતું રહસ્ય

સહારનપુર, તા. ૧૯ : ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાંથી કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલના નાના ભાઈ અંકુર અગ્રવાલનો રહસ્યમય હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આખી ઘટના સહારનપુરના પિલખની વિસ્તારની છે, જ્યાં અંકુર અગ્રવાલની ફેક્ટરી આવેલી છે. અંકુર અગ્રવાલનો મૃતદેહ તેમની ફેક્ટરીની નજીક એક ખેતરમાંથી મળી આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ૪૨ વર્ષીય અંકુર અગ્રવાલ સવારે ફેક્ટરી માટે નીકળ્યા હતા અને તે જ દિવસે સાંજે પાંચ વાગ્યે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ કરતા તેમને ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે. સહારનપુર રેન્જના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ (ડીઆઈજી) ઉપેન્દ્ર અગ્રવાલે જણાવ્યું હતું કે, અંકુર અગ્રવાલના શરીર પર એક એન્ટ્રી અને એક્ઝિટ બૂલેટનો ઘા હતો. તેમજ ઘટનાસ્થળ પરથી તેમની ૬ રાઉન્ડ સાથેની લાઈસન્સવાળી પિસ્તોલ અને કારતૂસ મળ્યા હતા. સહારનપુરના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, અગ્રવાલની લાશ જિલ્લાના સરસાવા પોલીસ સ્ટેશન હેઠળ આવેલા પિલખની ઔદ્યોગિક વિસ્તારમાં તેમની ફેક્ટરી પાસેથી મળી હતી. પોલીસે જણાવ્યું કે, અગ્રવાલે પોતાને ગોળી મારી છે. સૂત્રોએ જણાવ્યું કે, આર્થિક દેવામાં ડૂબી જવાને કારણે પોતાનું જીવન સમાપ્ત કરવા માટે અગ્રવાલે આ પગલું ભર્યું હોય તેવું બની શકે છે.

          સહારનપુર સુપરિટેન્ડેન્ટ પોલીસ રૂરલ અતુલ શર્માએ જણાવ્યું કે, આ આપઘાતનો મામલો હોઈ શકે છે. પરંતુ ઈન્વેસ્ટિગેશન પછી જ વધુ જાણ થઈ શકશે. પોલીસે જણાવ્યું કે, અંકુર અગ્રવાલના પરિવારે કોઈ સત્તાવાર ફરિયાદ કરી નથી અથવા કોઈ દબાણ કર્યું નથી.

(7:21 pm IST)