Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ચીન કેટલાક સમયથી સીમા ક્ષેત્રો પર નિર્માણ કાર્ય કરે છે

ચીને અરૂણાચલમાં ગામ વિકસાવ્યાના મુદ્દે સ્પષ્ટતા : ચીનની પ્રવૃત્તી સામે લોકલ કનેક્ટિવિટી સુધારવા દિલ્હીએ પણ બોર્ડર પાસે રોડ-બ્રિજ બનાયા હોવાનું સરકારનું નિવેદન

નવી દિલ્હી, તા. ૧૯  : ભારતમાં ચીન દ્વારા કન્સ્ટ્રક્શન એક્ટિવિટી થઈ રહી હોવાની સેટેલાઈટ તસવીરોના રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતાં, સરકારે કહ્યું બીજિંગ છેલ્લા કેટલાક વર્ષોથી સીમા ક્ષેત્રોની સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર કન્સ્ટ્રક્શનનું નિર્માણ કરી રહ્યું છે અને લોકલ કનેક્ટિવિટી સુધારવા માટે દિલ્હીએ પણ બોર્ડર પાસે રોડ અને બ્રિજ બનાવ્યા છે.

        અમેરિકાની ઈમેજિંગ કંપની પ્લેનેટ લેબ્સ દ્વારા અપાયેલી તસવીરોના આધારે સામે આવેલા રિપોર્ટ્સ પર વિદેશ મંત્રાલયે આ ટિપ્પણી કરી હતી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અરુણાચલ પ્રદેશના ઉપરી સુબનસિરી જિલ્લામાં ત્સારી ચૂ નદીના કિનારે ૧૦૧ ઘર ધરાવતું ગામ વસાવવામાં આવ્યું હતું. ઓગસ્ટ ૨૦૧૯ સુધીમાં ત્યાં કોઈ બાંધકામ નહોતું. ગામની જે તસવીરો છે તે નવેમ્બર ૨૦૨૦માં લીધી હોવાનું માનવામાં આવી રહ્યું છે.અમે ભારત સાથેના સરહદી વિસ્તારોમાં ચીન દ્વારા કન્સ્ટ્રક્શન કામ કરવા અંગેના હાલના રિપોર્ટ્સ જોયા છે. ચીને છેલ્લા ઘણા વર્ષોમાં આ પ્રકારની કન્સ્ટ્રક્શન એક્ટિવિટી હાથ ધરી છે, તેમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું.

     એક ન્યૂઝ ચેનલ પર ચાલી રહેલા રિપોર્ટ પર જવાબ આપતાં સરકારે કહ્યું કે, આપણી સરકારે પણ બોર્ડર પર રોડ અને બ્રિજ સહિતના કન્સ્ટ્રક્શન કામને આગળ વધાર્યું છે. જેનાથી સ્થાનિક લોકોને જરૂરી કનેક્ટિવિટી મળી રહે. આ મુદ્દાને કોંગ્રેસના પૂર્વ મંત્રી મનિષ તિવારીએ પણ ઉઠાવ્યો હતો અને પીએમ પાસેથી જવાબ માગ્યો હતો. તેમણે કહ્યું કે, આ ખૂબ જ ગંભીર બાબત છે. ચીને આખું ગામ વસાવી લીધું. વડાપ્રધાન અથવા રાજનાશ સિંહે આખા દેશને જણાવવું જોઈએ કે આ સાચું છે કે ખોટું છે.

     સરકારનું નિવેદન સૂચવે છે કે, ચીની પ્રવૃતિ છેલ્લા કેટલાક સમયથી ચાલુ છે. સંરક્ષણ વિશ્લેષક અભિજિત ઐયર મિત્રાએ ટ્વીટ કર્યું કે, આ ગામ ભારતીય સીમાથી ૫ કિમી અંદર છે, જે નવેમ્બર ૨૦૨૦માં બનાવવામાં આવ્યું હતું. આ ભારતના વિરોધ અથવા પડકાર વગર બનાવવામાં આવ્યું હતું. આ પાકા મકાનોમાં ૨ હજાર લોકો રહે છે.

વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત સરકાર અરુણાચલ પ્રદેશ સહિત નાગરિકોની આજીવિકામાં સુધારણા માટે સરહદી વિસ્તારોમાં માળખાગત સુવિધા ઉભી કરવાના ઉદ્દેશ માટે પ્રતિબદ્ધ છે. ભારતની સુરક્ષાને ધ્યાનમાં રાખતા તમામ ડેવલપમેન્ટ પર સરકાર સતત નજર રાખી રહી છે અને તેના સાર્વભૌમત્વ તેમજ પ્રાદેશિક અખંડિતતાની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, આ ગામ ભારત અને ચીનના વિવાદીત વિસ્તારમાં આવેલું છે. ભાજપના અરુણાચલ પ્રદેશના સાંસદ તાપિર ગાઓ અગાઉ રાજ્યના સીમા વિસ્તારોમાં ઘૂસણખોરીની વાત કરી ચૂક્યા છે.

ગામ ચીનીઓ દ્વારા એક કરતાં ઓછા વર્ષના સમયમાં બનાવવામાં આવ્યું હતું. ભારત અને ચીન પૂર્વ લદાખમાં સશસ્ત્ર અવરોધ તેમજ એલએસી સહિતના કેટલાક મુદ્દાઓ પર મે ૨૦૨૦થી બંધ છે. તેથી, સેટેલાઈટ તસવીરો દર્શાવે છે કે સ્ટેન્ડઓફની વચ્ચે ચીન ગામનું નિર્માણ કરી રહ્યું છે.

સોમવારે એક ટીવી ચેનલ સાથે વાતચીત કરતાં તાપિર ગાઓએ જણાવ્યું હતું કે, કન્સ્ટ્રક્શન હજુ ચાલુ છે. ચીન ઉપરી સુબનસિરી જિલ્લામાં ૬૦-૭૦ કિમી અંદર ઘૂસી આવ્યું છે. તેઓ સુબનસિરી નદીની દિશામાં વહેતી અને લેન્સી તરીકે ઓળખાતી નદીની પાસે એક રસ્તો બનાવી રહ્યું છે.

(7:24 pm IST)