Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા પણ કોરોનાની ઝપટે : કહ્યુ -કોરોના કોઈ મજાક નથી, સાવધાની રાખો

સાનિયાએ સૌને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવા માટે આગ્રહ કર્યો

મુંબઈ :ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા જાન્યુઆરી માસના પ્રારંભે જ તે કોરોના સંક્રમિત થઈ હતી. કોરોના પરિક્ષણ દરમ્યાન તે પોઝિટીવ હોવાની જાણકારી મળી હતી, જોકે તે હવે સ્વસ્થ થઈ ચુકી છે. છ વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતાએ પોતાના અધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર એક ભાવનાત્કમક પોસ્ટ દ્વારા આ અંગેની જાણકારી આપી હતી.

સાનિયાએ લખ્યુ હતુ કે, એક સુચના, જે પાછળના એક વર્ષથી ચાલી રહ્યુ છે. હું પણ કોવિડ-19ની ઝપેટમાં આવી હતી. ઉપરવાળાની કૃપાથી હવે સ્વસ્થ અને બિલ્કુલ ઠીક છુ, પરંતુ હું મારો અનુભવ શેર કરવા માંગુ છું

તેણે કહ્યુ હતુ કે, હું ભાગ્યશાળી રહી હતી કે આ દરમ્યાન મને કોઈ જ ગંભીર લક્ષણ જણાયા નહોતા. જો કે હું આઈસોલેશનમાં હતી, બે વર્ષના બાળક અને પરિવારથી દુર રહેવુ ખૂબ મુશ્કેલ હતુ. સાનિયાએ કહ્યુ કે, તમામ પ્રકારની સાવધાનીઓ વર્તવા છતાં પણ તે કોરોના સંક્રમિત થઈ હતી. તેણે સૌને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવા માટે આગ્રહ કર્યો હતો. આગળ કહ્યુ હતુ કે, આ વાઈરસ તે કોઈ મજાક નથી. મેં જેટલુ શક્ય હતુ, તમામ સાવધાનીઓનું પાલન કર્યુ હતુ.

પરંતુ આમ છતાંય કોરોના સંક્રમિત થઈ હતી. પોતાના મિત્રો અને પરિવારની રક્ષા માટે આપણે સૌએ કંઈક કરવુ જોઈએ. માસ્ક પહેરવુ જોઈએ. પોતાના હાથ પણ ધોવો તેમજ પોતાના નજીકના લોકોની રક્ષા કરો. આપણે આ લડાઈમાં સાથે છીએ. આ 34 વર્ષીય ખેલાડીએ બતાવ્યુ હતુ કે તેને આ ખતરનાક વાઈરસના કોઈપણ પ્રકારના લક્ષણનો અહેસાસ થયો નહોતો. પરંતુ આ દરમ્યાન પોતાના પુત્રથી દુર રહેવાનુ તેને ખૂબ મુશ્કેલ લાગ્યુ હતુ.

(11:34 pm IST)