Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

વ્હાઇટ હાઉસ પહોંચતા પૂર્વે તપાસમાં ઝેરનું પાર્સલ પકડાયું

અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ઝેરનું પેકેટ મોકલાયું : વ્હાઇટ હાઉસમાં આવતા પત્ર-પાર્સલને તપાસવામાં આવે છે જ્યારે કોઈ શંકા ન હોય ત્યારે તેને મોકલવામાં આવે છે

વોશિંગ્ટન, તા. ૨૦ : અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ ચૂંટણીની તૈયારીઓ વચ્ચે સ્થાનિક પોલીસને ઝેરનું પાર્સલ હાથ લાગ્યું છે. વિશેષ વાત એ છે કે આ શંકાસ્પદ પાર્સલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નામે મોકલવામાં આવ્યું હતું. પેકેજમાં રિસિન નામનું ઝેર હોવાની આશંકા છે, અને તેની પુષ્ટિ કરવા માટે બે-બે વખત તપાસ કરવામાં આવી છે. અમેરિકાની એક અગ્રણી ટીવી ચેનલના જણાવ્યા અનુસાર શનિવારે પોલીસ અધિકારીઓને આની જાણ કરી હતી. જણાવી દઈએ કે, યુએસ રાષ્ટ્રપ્રમુખ ભવન વ્હાઇટ હાઉસ પર મોકલવામાં આવતા પત્ર અથવા પાર્સલને વ્યવસ્થિત રીતે તપાસવામાં આવે છે. જ્યારે તપાસમાં કોઈ શંકા ન હોય ત્યારે જ તેને વ્હાઇટ હાઉસ મોકલવામાં આવે છે. યુએસ કાયદા અમલીકરણ એજન્સીના અધિકારીએ કહ્યું કે પેકેજ સંભવત કેનેડાથી મોકલવામાં આવ્યું છે. તેની પુષ્ટિ કરવા માટે તપાસ ચાલુ છે. ધી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ) અને સિક્રેટ સર્વિસ આ કેસની તપાસ કરી રહી છે.

          એફબીઆઇના અધિકારીએ ન્યૂઝ ચેનલ સીએનએનને જણાવ્યું હતું કે, એફબીઆઇ અને અમારી ગુપ્ત સેવા અને યુએસ ઈન્સ્પેક્શન સર્વિસ એકસાથે મળીને કેસની તપાસ કરી રહી છે. હાલમાં સામાન્ય લોકો માટે કોઈ પણ પ્રકારનો ભય હોવાની આશંકા નથી. રિસિન ઝેર એક ખૂબ જ જીવલેણ તત્વ છે જેને કાસ્ટર બીન્સમાંથી કાઢવામાં આવે છે. તેનો ઉપયોગ આતંકવાદી હુમલામાં પણ કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ પાવડર, મિસ્ટ, ગોળી અથવા એસિડ તરીકે થઈ શકે છે. રિસિન ઝેર ખાવાથી વ્યક્તિને ઉલટી થવા લાગે છે તેમજ પેટ અને આંતરડામાંથી લોહી નીકળવાનું શરૂ થાય છે. યકૃત, અને કિડની સહિતના શરીરના અંગો ફેલ થવા લાગે છે અને વ્યક્તિની આખી સર્ક્યુલેટરી સિસ્ટમ બંધ પડી જાય થે અને છેવટે તેનું મોત થઈ જાય છે.

(7:35 pm IST)