Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

રાજ્યસભામાં ધ્વનિ મતથી કૃષિ બિલ પાસ : વિપક્ષનો ભારે હંગામો

બિલને રજૂ કરતાં મોદી સરકારે કહ્યું, બિલોનો MSP સાથે સંબંધ નથી :બિલને લઈ વિપક્ષ વેલમાં આવીને સુત્રોચ્ચાર કર્યા, ઉપ-સભાપતિની પાસે કાગળના ટુકડાઓ ઉછાળ્યા, માર્શલોએ તેમને રોક્યા તો હળવું ઘર્ષણ થયુ

નવી દિલ્હી, તા.૨૦ : નવી દિલ્હીઃ રાજ્યસભામાં ભારે હોબાળો વચ્ચે આજે કૃષિ બિલો પાસ કરવામાં આવ્યા છે. ખેતી-ખેડૂતો સાથે જોડાયેલા ત્રણ અગત્યના બિલ કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ, ૨૦૨૦ અને કૃષિ (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર બિલ, ૨૦૨૦ રાજ્યસભામાં ધ્વનિ મતથી પાસ થઈ ગયા છે. બિલને લઈ વિપક્ષી પાર્ટીઓના નેતા વેલમાં આવીને નારેબાજી કરવા લાગ્યા અને ઉપ-સભાપતિની પાસે કાગળના ટુકડાઓ ઉછાળ્યા. આ દરમિયાન ઉપ-સભાપતિ પાસે ઉપસ્થિત માર્શલોએ તેમને રોક્યા તો હળવું ઘર્ષણ થયું. ઘર્ષણ દરમિયાન જ ઉપસભાપતિની સામેવાળું માઇક તૂટી ગયું. કેન્દ્ર સરકાર માટે આ બિલને પાસ કરાવવા કોઈ પડકારથી ઓછા નહોતા. આ બિલને લઈને એનડીએ ગઠબંધનની સૌથી જૂની સહયોગી અકાલફી દળના વિરોધના કારણે સરકાર માટે ગૃહની અંદર અને બહાર પણ ભારે વિરોધનો સામનો કરવો પડ્યો.

               કૃષિ બિલના પાસ થયા બાદ રાજ્યસભાની કાર્યવાહી કાલે એટલે કે ૨૧ સપ્ટેમ્બર સવારે ૯ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને આ કાયદાને લોકતંત્રની હત્યા ગણાવ્યું તો કૉંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ તેને કાળો કાયદો ગણાવ્યો. જોકે, શિરોમણિ અકાલી દળ જે બીજેપીનું સૌથી જૂનું સહયોગ હતું, તેણે બિલનો વિરોધ કર્યો. પાર્ટી સાંસદ હરસિમરત કૌર બાદલે કેબિનેટ મંત્રીના પદેથી રાજીનામું આપી દીધું. દેશભરના ખેડૂતો બિલનો વિરોધ કરી રહ્યા છે. કૉંગ્રેસે સરકારને ખેડૂત વિરોધી કરાર કરી દીધું છે. વિરોધ પક્ષે રાજ્યસભામાં રજૂ થયેલા બિલોને ખેડૂતો માટે ડેથ વોરન્ટ કરાર કર્યા છે. બિલોને રાજ્યસભામાં રજૂ કરતાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું કે આ બિલો ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના છે. ખેડૂતોને પોતાની ઉપજ કોઈ પણ સ્થળે કોઈને પણ ઈચ્છા મુજબ ભાવે વેચવાની સ્વતંત્રતા હશે. તેઓએ કહ્યું કે બિલો વિશે અનેક પ્રકારની ધારણાઓ ઊભી કરવામાં આવી છે. આ બિલ એમએસપી સાથે સંબંધિત નથી. વડાપ્રધાન મોદીએ પણ કહ્યું છે કે એમએસપી ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ બિલોના માધ્યમથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે. રાજ્યસભામાં કૃષિ બિલનો વિરોધ કરતાં તૃણમૂલ કૉંગ્રેસ પાર્ટીના સભ્ય ડેરેક ઓ બ્રાયને કહ્યું કે આ સરકાર ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બે ગણી કરવાનો વાયદો કરે છે, પરંતુ હું જણાવી દઉં કે ખેડૂતોની આવક ૨૦૨૮ સુધી બમણી નહીં થઈ શકે. આ સરકાર માત્ર વાયદા કરે છે. તેની સાથે જ તેઓએ સવાલ કર્યો કે બે કરોડ નોકરીનું શું થયું?

(7:32 pm IST)