Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

ભારતના પ્રધાનમંત્રીનું વ્‍યકિતત્‍વ એવું છે કે તેને કોઇ વ્‍યાખ્‍યાન પ્રવચનમાં સમાવી શકાય નહિ : સંત માધવપ્રિયદાસજીએ પ્રધાનમંત્રી શ્રેષ્‍ઠ આધ્‍યાતિમક પુરૂષ ગણાવ્‍યા

દક્ષિણ ગુજરાતમાં વડાપ્રધાનના જન્‍મ દિવસે યોજાયેલ વરચ્‍યુઅલ રેલીમાં સંતશ્રી માધવપ્રિયદાસજીનું પ્રેરણાદાયી ઉદબોધન

અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે છેલ્લા દિવસ છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ભાજપ દ્વારા આયોજિત આ વર્ચ્યુઅલ રેલીમાં સંતશ્રી માધવપ્રિયદાસજી હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમનાં વિચારો,તેમનાં કાર્યો,તેમની વિચારધારા,તેમની કાર્યક્ષમતા અને તેમનું આખું જીવન પ્રેરણાદાયી છે. આ મહાપુરુષને ગાગરમાં ભરી શકાય તેમ નથી તેમ છતાં થોડાં શબ્દો દ્વારા હું તેમને જેટલું સમજ્યો છું તે વિષે વાત કરવાનો આ પ્રયત્ન છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતની આ પુણ્યભુમીમાં જયારે જયારે જરૂર પડી ત્યારે અનેક મહાપુરુષો અવતર્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ અવતર્યા, ચંદ્રગુપ્ત અને ચાણક્ય અવતર્યા, અનેક સંતો-મહંતો, તથાગતો, વીર પુરુષોએ જન્મ લીધો છે. આપણી આ ગરવી ગુર્જરધરાએ પણ સદીઓથી અનેક મહાપુરુષોને જન્મ આપ્યો છે.

પૂજ્ય ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની આ જન્મભૂમી છે. જેણે આપણને રાષ્ટ્રપ્રેમી નરેન્દ્ર મોદીના રૂપમાં એક મહાપુરુષ આપ્યાં છે. તેઓ એક પ્રમાણિક,વિચક્ષણ અને દીર્ઘદ્રષ્ટા રાજપુરુષ છે.જેમણે ખુબજ ટૂંકાગાળામાં વિશ્વમાં ભારતનું મહત્વ અને પ્રભુત્વ પુનઃસ્થાપિત કરી વિશ્વની મહાસતાઓને હાથ જોડી નમસ્તે કરતાં કરી દીધા છે. ભારતની પ્રાચીન ધરોહર યોગને આજે સમગ્ર વિશ્વએ સ્વીકૃતિ આપી અને તેને જીવનશૈલીનો ભાગ બનાવી દીધો છે. તેઓ અમારી દ્રષ્ટીએ તો એક શ્રેષ્ઠ આધ્યાત્મિક પુરુષ છે. તેમની ભીતર આધ્યાત્મ ભરેલું છે અને આધ્યાત્મ જયારે પાકે ત્યારે તેમાંથી સેવાની સુગંધ પ્રસરે છે. નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રપૂજા અને રાષ્ટ્રભક્તિનું મૂળ પણ આધ્યાત્મિક છે.

માધવપ્રિયદાસજી વધુમાં કહ્યું કે, વર્ષોથી સૌ રામભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે રામ જન્મભૂમી અયોધ્યામાં ભવ્ય રામમંદિરના શિલાન્યાસમાં જવાનું સૌભાગ્ય ઈશ્વરકૃપાથી અમને પ્રાપ્ત થયું. રામભક્ત હનુમાનજીની જેમ નરેન્દ્ર મોદીની દ્રઢ ઇચ્છાશક્તિ અને પ્રભુભક્તિને કારણે જ આ ઐતિહાસિક કાર્ય શક્ય બન્યું છે. આ ઉપરાંત સદીઓથી અનેક પ્રશ્નો કલમ 370, નાગરિકતા સંશોધન બિલ જેવાં અનેક પ્રશ્નોનો સુખદ ઉકેલ નરેન્દ્રભાઈ તેમની વિચક્ષણ બુદ્ધિક્ષમતાથી લાવ્યાં છે.

કેન્દ્રીયમંત્રી અને ભાજપના વરિષ્ઠ અગ્રણી પરષોતમભાઇ રૂપાલાએ જણાવ્યું કે, એક સામાન્ય પરિવારનો યુવાન જે અનેક વિપરીત સંજોગોમાંથી પસાર થઇ નાનપણથી જ માં ભારતીની સેવા માટે કટિબદ્ધ થયો. તેમણે આખુ જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કરી દીધું છે અને આજે ભારતને ફરીથી વિશ્વગુરુ બનાવવા માટે રાત-દિવસ પરિશ્રમ કરી રહ્યાં છે. તેવાં આપણાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી એક વિરલ વ્યક્તિત્વ ધરાવતા વિશ્વનેતા છે. યુગપુરુષ છે.

આ વર્ચ્યુઅલ રેલીમાં પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર તથા પ્રદેશ ભાજપાના પદાધિકારીઓ, ધારાસભ્યો ભાજપના કાર્યકર્તાઓ, સામાજીક અગ્રણીઓ અને સમર્થકો જોડાયા હતા.

(4:48 pm IST)