Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

યુપીમાં ૬ મહિના બાદ શાળાઓ ખુલીઃ વિદ્યાર્થીઓની પાંખી હાજરી

સેનેટાઇઝેશન-સોશ્યલ ડીસ્ટન્સીંગની તકેદારીઃ વાલીની સંમતીપત્ર વિના પ્રવેશ નહીઃ સવારે ધો.૯-૧૦ તથા બપોરે ૧૧-૧રના કલાસ લેવાયા

લખનૌઃ કોરોના લોકડાઉનના કારણે લગભગ ૬ મહિના બાદ ગઇકાલથી ધોરણ ૯ થી ૧રની શાળાઓ ખુલી હતી. પણ તમામ સ્કુલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ખુબ જ ઓછી હતી. કલાસમાં સોશ્યલ ડીસ્ટનસીંગનું પાલન કરાતુ હતું. છાત્રોને શાળામાં પ્રવેશ પહેલા હાથ સેનેટાઇઝ કરાવી થર્મલ ગનથી તાપમાન મપાયેલ.

શાળાઓ બે પાળીમાં ચાલી રહી છે. જેમાં સવારે ૮.પ૦ થી ૧૧.પ૦માં ધોરણ ૯-૧૦ અને ૧ર.ર૦ થી ૩.ર૦ દરમિયાન ધો.૧૧-૧રના કલાસ ચાલુ છે. પેરેન્ટસના સહમતી પત્ર સાથે વિદ્યાર્થીઓ સ્કુલે પહોંચ્યા હતા. જો કે કોલેજમાં ઓછા વિદ્યાર્થીઓ આવ્યા હતા અને જેમની પાસે સહમતી પત્ર ન હતા તેમને પરત મોકલાયેલ. કેટલીક શાળાઓમાં છાત્રોના સ્વાગત માટે રંગોળી બનાવાઇ હતી. શિક્ષણ અધિકારીઓએ શાળામાં જઇ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને જાગરૂક કરી નિરીક્ષણ કરેલ.

ઉપરાંત લખનૌની ૩૦ જેટલી શાળાઓ ખુલી ન હતી. ઘણી શાળાઓએ ફકત ધો.૧૦-૧રના વિદ્યાર્થીઓને જ બોલાવવાનો નિર્ણય લીધો છે. ઘણાી શાળાઓ દશેરા બાદ શરૂ થશે. જયારે ઘણી સ્કુલો દીવાળી સુધી રાહ જોવાનું નક્કી કર્યુ છે. શાળામાં હાજરી પ્રોત્સાહન સ્થગીત કરાયું છે. વિદ્યાર્થીઓને એક બીજાની વસ્તુ આપ-લે નહી કરી શકે. ઓનલાઇન કલાસ ચાલુ રહેશે. સ્કુલના બધા દરવાજા ખોલાશે. એક દિવસમાં એક કલાસના પ૦ ટકા વિદ્યાર્થીને જ બોલાવાશે.

(2:49 pm IST)