Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન લોકોને ના પસંદ ! : ડિસલાઈક હૈશટેગ થવા લાગ્યું:ભાજપે આંકડા છૂપાવ્યાં

તહેવારોમાં પીએમએ પ્રજાને ચેતવી પણ, માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સનું ચૂંટણીના માહોલમાં નેતાઓ દ્વારા પાલન થતું નથી

નવી દિલ્હી: વડાપ્રધાન મોદી કોરોના કાળના 7 મહિનામાં સાતમી વખત દેશને નામ સંદેશો લઈને આવ્યા હતા.12 મિનિટ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જેમાં કબીર દાસના દોહાનો ઉલ્લેખ કર્યો, તો રામચરિત માનસમાં લખવામાં આવેલી વાતનું પણ વર્ણન કર્યું.ત્રણ ધર્મોના છ તહેવારો નવરાત્રી, દશેરા, ઈદ, દીવાળી, છઠ્ઠ પૂજા, ગુરુનાનક જયંતિનો પણ ઉલ્લેખ કર્યો. જે બાદ બિહારમાં મતદાનના 8 દિવસ પહેલા જ  પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી કે, જ્યાં સુધી કોરોનાની વૅક્સીન નહી, ત્યાં સુધી જરા પણ ઢીલાઈ (છૂટ) નહીં.

તહેવારોને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીએ પ્રજાને અપીલ કરી હતી કે, કોરોના સામેની જંગમાં જરા પણ બેદરકારી ના દાખવશો. માસ્ક ફરજિયાત પહેરો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો અને સમયાંતરે સાબુથી હાથ ધોતા રહો.જો કે વડાપ્રધાન મોદીએ ચૂંટણી લડી રહેલા નેતાઓ વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નહતો. આ નેતાઓ સરેઆમ કોવિડ ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. આ સરકારી નિયમો તમારા સ્વાસ્થ્યની સુરક્ષા માટે જ છે, તેમ જાણતા હોવા છતાં નેતાઓ દ્વારા તેનું પાલન નથી કરવામાં આવી રહ્યું.

એક તરફ ભારત કોરોના સામે જંગ લડી રહ્યું છે, ત્યાં બીજી તરફ દેશમાં ચૂંટણીનો માહોલ ચરમ પર પહોંચ્યો છે. બિહાર વિધાનસભા ચૂંટણીઓ ઉપરાંત ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પેટાચૂંટણીઓનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે.આ ચૂંટણીમાં ભાજપ સહિત તમામ પાર્ટીઓના નેતાઓ માસ્ક વિના લોકોની ભીડ એકત્ર કરતાં જોવા મળી રહ્યાં છે. ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતું નથી અને આમ કોરોના ગાઈડલાઈનનું પણ ઉલ્લંઘન થઈ રહ્યુ છે.બિહારમાં જીવલેણ કોરોનાના કારણે હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોવા છતાં કેટલાક નેતાઓ એવું કહી રહ્યાં છે કે, રાજ્યમાં કોરોના જેવું કશું જ નથી.

વડાપ્રધાન મોદીના રાષ્ટ્રના નામે સંબોધનની સોશિયલ મીડિયામાં આકરી આલોચના કરવામાં આવી રહી છે. પીએમ મોદીના સંબોધન દરમિયાન ટ્વીટર પર ડિસલાઈક હૈશટેગ થવા લાગ્યું હતું.આટલું જ નહીં, મોદીના દેશને નામ સંબોધન પહેલા ભાજપની યૂ-ટ્યૂબ ચેનલ પર લાઈક કરતાં વધુ ડિસલાઈક હતી. જ્યારે વડાપ્રધાનનું 12 મિનિટનું ભાષણ સમાપ્ત થવા આવ્યું, ત્યારે ભાજપે પોતાની સત્તાવાર ચેનલ ઉપરથી ડિસલાઈકના આંકડા છૂપાવી દીધા. જેથી તમે લાઈક-ડિસલાઈક તો કરી શકશો, પરંતુ તેનો આંકડો નહી જાણી શકો.

જો કે PMO, નરેન્દ્ર મોદી અને PIBની ચેનલો પર મોદીના ભાષણ પર ડિસલાઈક કરતાં વધુ લાઈક્સ હતા. આથી અહીં આંકડા જોવા મળી શકતા હતા. નરેન્દ્ર મોદીના ઑફિશિયલ ચેનલ પર મોદીના ભાષણની લિન્ક પર તમે કૉમેન્ટ તો કરી શકતાં હતા, પરંતુ અન્ય લોકોની કોમેન્ટ જોઈ શકતા નહતા.

(11:15 pm IST)