Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

પ્રેમ પ્રકરણમાં ૪૬ વર્ષીય નીરજ ગુપ્તાની હત્યા થઈ હતી

ટ્રેનમાંથી સૂટકેસમાં ફેંકાયેલી લાશનું રહસ્ય ખૂલ્યું : પ્રેમિકાએ અન્યની સાથે લગ્ન કરી લેતા પ્રેમીનું કાસળ કાઢનારા પ્રેમિકા અને તેના પતિની પોલીસ દ્વારા ધરપકડ

નવી દિલ્હી, તા. ૧૯  : થોડા દિવસ પહેલા દિલ્હીથી ગોવા જતી રાજધાની એક્સપ્રેસમાંથી સૂટકેસમાં ભરીને ફેંકવામાં આવેલી લાશ કોની હતી તેનો ભેદ ઉકેલાઈ ગયો છે. દિલ્હી પોલીસે આ કેસ સોલ્વ કર્યો છે, જેમાં મૃતક ૪૬ વર્ષનો એક આધેડ હતો, જેની પ્રેમપ્રકરણમાં ઘાતકી હત્યા કરી દેવાઈ હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકનું નામ નીરજ ગુપ્તા હતું જેઓ ફાઈનાન્સનું કામ કરતા હતા. દિલ્હીના રહેવાસી નીરજ ગુપ્તાને પોતાની ઓફિસમાં કામ કરતી ફૈઝાલ નામની ૨૯ વર્ષની યુવતી સાથે અફેર હતું. ૧૩ નવેમ્બરના રોજ ગુપ્તા ફૈઝાલના ઘરે પહોંચ્યા હતા, અને તે વખતે ફૈઝાલનો મંગેતર ઝુબૈર પણ ત્યાં હાજર હતો.

ફૈઝાલ અને નીરજ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી અફેર ચાલી રહ્યું હતું, જેનાથી તેમની પત્ની પણ માહિતગાર હતી. જોકે, નીરજ પોતાની પત્ની અને બાળકોને છોડવા તૈયાર નહોતો અને તેના કારણે તેના અને ફૈઝાલના લગ્ન પણ શક્ય નહોતા. બીજી તરફ, ફૈઝાલ બીજા કોઈ સાથે પરણે તે પણ નીરજને મંજૂર નહોતું.

જોકે, પોતે નીરજ સાથે લગ્ન કરી શકશે તે વાત અશક્ય લાગતા ફૈઝાલે ઝુબૈર નામના યુવક સાથે સગાઈ કરી લીધી હતી, જે રાજધાની એક્સપ્રેસમાં અટેન્ડન્ટ તરીકે કામ કરતો હતો. ફૈઝાલની સગાઈથી નીરજ નારાજ હતો. ૧૩ નવેમ્બરના રોજ તે દિલ્હીમાં જ રહેતી ફૈઝાલના ઘરે પહોંચ્યો હતો અને રાત્રે ઘરમાં બબાલ પણ થઈ ગઈ.

ઝઘડો થતાં ઉશ્કેરાઈ ગયેલા જુનૈદે નીરજ ગુપ્તાના માથામાં ઈંટ ફટકારી હતી, અને ત્યારબાદ તેના પેટમાં ચાકૂના ત્રણ-ચાર ઘા ઝીંકી દીધા હતા. જુનૈદ એટલો આવેશમાં આવી ગયો હતો કે તેણે ગુપ્તાનું માથું ધડથી જૂદું કરી નાખ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, નીરજની હત્યા કર્યા બાદ તેની લાશને સૂટકેસમાં ભરી દેવાઈ હતી. આ સૂટકેસ લઈને જુનૈદ કેબ કરીને રેલવે સ્ટેશન પહોંચ્યો હતો, અને ત્યાંથી પોતે જે ટ્રેનમાં ફરજ બજાવતો હતો તે ગોવા જતી રાજધાની એક્સપ્રેસમાં લાશ ભરેલી સૂટકેસ સાથે ચઢી ગયો હતો. ટ્રેન ભરુચમાંથી પસાર થઈ રહી હતી ત્યારે જુનૈદે સૂટકેસને ચાલુ ટ્રેનમાંથી ફેંકી દીધી હતી.

બીજી તરફ, નીરજ ગુપ્તા ઘરે પરત ના આવતા તેમના એક મિત્રએ તેમના ગુમ થયાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ, ગુપ્તાની પત્નીએ તેના અપહરણની ફરિયાદ નોંધાવી જેમાં તેણે ફૈઝાલ પર સીધો આક્ષેપ કર્યો હતો. ફરિયાદના આધારે પોલીસે નીરજ ગુપ્તાની શોધખોળ શરુ કરી દીધી હતી. આ દરમિયાન ફૈઝાલને પકડીને તેની પૂછપરછ કરવામાં આવી, પરંતુ તેણે પોલીસને લાંબો સમય ગોળ-ગોળ ફેરવી હતી. આખરે આકરી પૂછપરછમાં તે ભાંગી પડી હતી, અને તેણે સ્વીકાર્યું હતું કે તે ગુપ્તાની કરોલ બાગ સ્થિત ઓફિસમાં કામ કરતી હતી અને બંને ૧૦ વર્ષથી પ્રેમમાં હતા. પોલીસે આ મામલે હાલ ફૈઝલ, તેની માતા અને મંગેતર જુનૈદની ધરપકડ કરી લીધી છે.

(12:00 am IST)