Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

કોંગ્રેસમાં કકળાટ ચાલુ જ છે

હાઇકમાન્ડની ટિકા કરનાર પાર્ટીને કરી રહ્યા છે નબળી : ખડગે

કેટલાક નેતાઓ પર કોંગ્રેસને અંદરથી નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે

નવી દિલ્હી,તા.૨૦: મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના કેટલાક નેતાઓ પર કોંગ્રેસને અંદરથી નબળી પાડવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણીમાં પરાજય પછી પાર્ટી હાઇકમાન્ડને નિશાન બનાવનાર નેતાઓની ટિકા કરતા ખડગેએ ગુરુવારે એકજુટ થવાની અપીલ કરી છે. તેમણે અન્ય પાર્ટી નેતાઓને હાઇકમાન્ડને સપોર્ટ કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું કે આપણે એક થઈને ચૂંટણી લડ્યા પણ એ દુ ખદ છે કે કેટલાક વરિષ્ઠ નેતા ટોપ લીડરશિપ સામે બોલી રહ્યા છે. આ વાત ખડગેએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દીરા ગાંધીની જયંતિ પર રાખવામાં આવેલા એક કાર્યક્રમ દરમિયાન કહી હતી.

ખડગેએ કહ્યું કે જો આપણે પોતાની પાર્ટી અને નેતાઓેને આ રીતે નબળા કરીશું તો આપણે આગળ જઈ શકીશું નહીં. જો આપણી વિચારધારા નબળી હશે તો આપણે નષ્ટ થઈ જશું. આ વાત આપણે ધ્યાનમાં રાખવી પડશે. ખડગેનું આ નિવેદન બિહાર ચૂંટણીમાં પરાજય પછી કેટલાક પાર્ટી નેતાઓના નિવેદનને લઇને આપ્યું છે.

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કપિલ સિબ્બલે એક અંગ્રેજી દૈનિકને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એવું લાગે છે કે પાર્ટી નેતૃત્વએ કદાચ દરેક ચૂંટણીમાં પરાજયને પોતાનું નસીબ માની લીધું છે. બિહાર જ નહીં, પેટા ચૂંટણીના પરિણામોથી પણ એમ લાગી રહ્યું છે દેશના લોકો કોંગ્રેસ પાર્ટીને પ્રભાવી વિકલ્પ માની રહ્યા નથી.

કપિલ સિબ્બલના આ નિવેદન પછી ઘણા કોંગ્રેસી નેતાઓએ તેમની ટિકા કરી હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પાર્ટીના આંતરિક મુદ્દાનો મીડિયામાં ઉલ્લેખ કરવા બદલ સિબ્બલની ટિકા કરી હતી. તેમણે કહ્યું હતું કે સિબ્બલે આ રીતે પાર્ટીના આંતરિક મુદ્દાનો મીડિયામાં ઉલ્લેખ કરવાની કોઈ જરૂર ન હતી. આનાથી પાર્ટીના કાર્યકર્તાઓની ભાવનાઓ આહત થાય છે.

(10:27 am IST)