Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

અમેરિકામાં કોરોનાથી અઢી લાખથી વધુના મોતઃ વધુ ખરાબ થઈ શકે છે સ્થિતિ

કુલ ૧૧,૮૭૬,૨૪૦ કેસ નોંધાયા છે અને ૨૫૬,૩૧૧ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે

વોશિંગ્ટન,તા.૨૦: સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકામાં કોરોના વાયરસની મહામારીના કારણે અત્યાર સુધીમાં ૨૫૬,૩૧૧ જેટલા લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ અમેરિકામાં હજુ પણ કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ ૧૧,૮૭૬,૨૪૦ કેસ નોંધાયા છે અને ૨૫૬,૩૧૧ લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. જયારે અત્યાર સુધીમાં ૭,૧૬૮,૪૮૨ લોકો અમેરિકામાં કોરોનાને હરાવીને સાજા થયા છે.

જહોન હોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે ૨,૫૦,૫૩૭ દર્દીઓના મોત થયા છે. જયારે ૧.૧૫ કરોડ કરતા વધારે લોકો કોરોના સંક્રમિત થઈ ચૂકયા છે. દુનિયાના અન્ય કોઈપણ દેશની સરખામણીમાં અમેરિકામાં કોરોના વાયરસના વધારે કેસો છે. જયારે બીજી બાજુ સીએનએનના એક રિપોર્ટ મુજબ, કોરોના વાયરસના કારણે હવે દર મિનિટે ઓછામાં ઓછા એક અમેરિકનનું મોત થઈ રહ્યું છે. સાથે-સાથે કોરોનાના કારણે અમેરિકામાં સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અમેરિકામાં કોરોના વાયરસના વધી રહેલા કેસોની અસર ત્યાંની હોસ્પિટલ્સમાં પણ જોવા મળી રહી છે. જયારે કેટલાંક સ્થળોએ મેડિકલ સ્ટાફની અછત પણ જોવા મળી રહી છે. મંગળવારના દિવસે રેકોર્ડ ૭૬,૮૩૦ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. શિયાળામાં ઠંડા વાતાવરણના કારણે સ્થિતિ વધુ ખરાબ થાય તેવી આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. કોરોનાના કેસ વધતા તેના કારણે મોત થતા લોકોની સંખ્યા પણ વધી શકે છે. અમેરિકામાં લોકોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરવા અને ભીડથી દૂર રહેવાની વિનંતી કરવામાં આવી રહી છે.

(9:44 am IST)