Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

૭ વર્ષ પહેલા દુકાનનું નામ રાખ્યું હતું 'કોરોના': છેક હવે થયો ફાયદો!

આ દુકાન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે

કોચી, તા.૨૦: કોરોના વાયરસની આ મહામારીમાં કોરોના શબ્દ હવે ઘરે-ઘરે પ્રચલિત થઈ ગયો છે. પણ, કેરળના એક વેપારીએ આજથી ૭ વર્ષ પહેલા પોતાની દુકાનનું નામ 'કોરોના' રાખ્યું હતું. જયારે હવે દેશ-દુનિયામાં કોરોના વાયરસની મહામારી ફેલાવાના કારણે કેરળના આ વેપારીની દુકાન ત્યાંના સ્થાનિક લોકોમાં પ્રખ્યાત થઈ ગઈ છે. હવે 'કોરોના' નામની આ દુકાન લોકોના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.

કેરળના કોટ્ટાયમમાં આવેલી આ 'કોરોના' નામની દુકાનના માલિકનું નામ જયોર્જ છે. તેમણે આજથી ૭ વર્ષ પહેલા પોતાની દુકાનનું નામ 'કોરોના' રાખ્યું હતું. જયારે તેમણે પોતાની દુકાનનું નામ 'કોરોના' રાખ્યું ત્યારે તેઓને એ વાતનો સહેજપણ અંદાજો નહોતો કે કોરોના નામથી એક દિવસ આખી દુનિયા ડરી જશે. હવે 'કોરોના' નામની આ દુકાન ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે.

'કોરોના' નામની આ દુકાનના માલિકનું કહેવું છે કે કોરોના વાયરસની મહામારી પછી તેમની દુકાનમાં વધુને વધુ લોકો આવી રહ્યા છે, જેના કારણે મને ફાયદો થઈ રહ્યો છે. હવે સોશિયલ મીડિયા પર પણ 'કોરોના' નામની આ દુકાનને લઈને લોકોની વિવિધ પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

કેરળમાં આવેલી 'કોરોના' નામની આ દુકાનના માલિકે જણાવ્યું કે કોરોના શબ્દનો અર્થ ક્રાઉન એટલે કે મુગટ એવો થાય છે. આ એક લેટિન શબ્દ છે. હવે 'કોરોના' નામ મારા બિઝનેસ માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે. 'કોરોના' નામની આ દુકાનમાં રસોડું, વોર્ડરોબ સહિત ઘર માટે જરૂરી સામાન મળે છે.

(9:49 am IST)