Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ઓક્સફોર્ડની કોરોના વેક્સિન લોકોને વાંદરા બનાવી દેશે

રશિયાએ વિચિત્ર દાવો કર્યો : બ્રિટનની ઓક્સફોર્ડના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી વેક્સિન રેસમાં વિશ્વભરમાં આગળ છે

નવી દિલ્હી,તા.૧૬ : કોરોના વેક્સીન મામલે બ્રિટનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવી રહેલી વેક્સીન આ રેસમાં સૌથી આગળ છે. જોકે, રશિયાએ ઓક્સફોર્ડની કોરોના વેક્સીન અંગે જુઠ્ઠાણા ફેલાવવાનું શરૂ કરી દીધું છે. લોકોમાં આ વેક્સીનનો ડર ફેલાવવા માટે વિચિત્ર વાતો ફેલાવવામાં આવી રહી છે. અહેવાલ પ્રમાણે એક એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વેક્સીનમાં ચિમ્પાન્ઝી વાયરસનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનાથી લોકો વાંદરા બની જશે. રશિયન સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી બધી તસ્વીરો અને વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે યુકેમાં તૈયાર થનારી તમામ રસી ખતરનાક સાબિત થઈ શકે છે. રશિયન સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલી એક તસ્વીરમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોનસન ડાઉનિંગ સ્ટ્રીટમાં ચાલતા દેખાય છે પરંતુ તેમની તસ્વીરને એડિટ કરીને તેમને યેતી દેખાડવામાં આવ્યા છે.

            આ તસ્વીરની નીચે કેપ્શન લખવામાં આવ્યું છે, મને મારી બિગફૂટ વેક્સીન ઘણી પસંદ છે. આમ રશિયા કોરોના વેક્સીન વિશે ભ્રામક વાતો અને જુઠ્ઠાણા ફેલાવી રહ્યું છે. અન્ય એક તસ્વીરમાં એક ચિમ્પાન્ઝી ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાની લેબમાં કોટ પહેરીને ઊભો છે. જેના હાથમાં એક સિરિંજ છે. એસ્ટ્રેઝેનેકા જ આ વેક્સીનનું ઉત્પાદન કરી રહી છે. આ અભિયાન ઓક્સફોર્ડના વેક્સીન પ્રોગ્રામની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવા માટે બનાવવામાં આવ્યું છે.

અન્ય એક તસ્વીરમાં લોકો એસ્ટ્રાઝેનેકાની વેક્સીન લેવા લાઈનમાં ઊભા છે અને બાદમાં વેક્સીન લીધા બાદ તેઓ વાંદરા થઈને બહાર આવે છે તેવું દેખાડવામાં આવ્યું છે. એસ્ટ્રાઝેનેકાના ચિફ એક્ઝિક્યુટિવ પાસ્કલ સોરિયટે આ પ્રકારની અભિયાનની ઝાટકણી કાઢી છે. જ્યારે ઓક્સફોર્ડ વેક્સીન ગ્રૂપના ડાયરેક્ટર પ્રોફેસર એન્ડ્રૂ પોલાર્ડે પણ તેની ટીકા કરી છે. પ્રોફેસર પોલાર્ડે જણાવ્યું છે કે, અમે જે પ્રકારની વેક્સીન બનાવી રહ્યા છીએ તે અન્ય વેક્સીન જેવી જ છે જેમાં રશિયન વેક્સીન પણ સામેલ છે. આ તમામ વેક્સીનમાં કોમન કોલ્ડ વાયરસનો ઉપયોગ કરવામા આવ્યો છે જે માણસો કે ચિમ્પાન્ઝીમાંથી લેવામાં આવે છે. અમે વેક્સીન બનાવવાની આ પ્રક્રિયામાં કોઈ ચિમ્પાઝીને સામેલ કર્યો નથી. આપણા શરીર વાયરસ તરફ જોતી નથી કે જે કહે છે કે આ માણસમાંથી આવ્યો છે કે ચિમ્પાન્ઝીમાંથી. તે એક પ્રોટિનના કલેક્શનને જોવે છે અને ઈમ્યુન રિસ્પોન્સ આપે છે.

(12:00 am IST)