Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ભારતમાં અત્યાર સુધીમાં સાડા ચાર લાખને વેક્સિન લગાવાઈ

દેશમાં કોરોના રસીકરણનું અભિયાન તેજ બન્યું : દેશમાં માત્ર ૦.૧૮ ટકા લોકોને રસી લાગ્યા બાદ સાઇડ ઇફેક્ટ અને ૦.૦૦૨ ટકા લોકોને હોસ્પિટલમાં ખસેડાયા

નવી દિલ્હી, તા. ૧૯ : વૈશ્વિક કોરોના મહામારી વિરુદ્ધ ભારતમાં ૧૬મી જાન્યુઆરીથી દેશવ્યાપી રસીરકણ અભિયાન છેડવામાં આવ્યુ હતું. કેન્દ્ર સરકારે રસીકરણના પહેલા તબક્કામાં સ્વાસ્થ કર્મચારીઓ, ફ્રન્ટ લાઇન વર્કર્સ સહિત ૩૦ કરોડ લોકોને ફ્રી વેક્સીન લગાવવાનો લક્ષ નક્કી કર્યો હતો. આ વિશે માહિતી આપતાં મંગળવારે સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં ૪,૫૪,૦૦૦થી વધુ લોકોને કોરોના વાયરસ સામે રસી લગાવવામાં આવી હતી.

     આ સંદર્ભે વિગતવાર માહિતી આપતાં હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે કહ્યુ કે, દેશમાં કુલ ૪,૫૪,૦૪૯ લોકોને રસી લગાવવામાં આવી છે. જ્યારે રસીકરણના પહેલા દિવસે વિશ્વમાં સૌથી વધુ રસી ભારતમાં લગાવવામાં આવી હતી. આ માટે દેશમાં ૩૫૦૦ રસીકરણ કેન્દ્રો સક્રિય છે. રાજેશ ભૂષણે જણાવ્યું કે રસીકરણના પહેલા દિવસે લક્ષદ્વીપ, સિક્કિમ, ઓડિશા, અંડમાન-નિકોબાર દ્વીપ, તેલંગાણા, દાદરા નાગર હવેલી, અરુણાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં પહેલેથી નક્કી કરાયેલા લક્ષથી અનેકગણા વધુ લોકોને રસી લગાવવામાં આવી હતી.

        આ સિવાય તમિલનાડૂ, પુડુચેરી અને પંજાબમાં ૪૦ ટકાથી ઓછુ રસીકરણ થયુ હતુ જે માટે રાજ્યના સંકલિત અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. ગોવા, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં અઠવાડિયામાં ૨ દિવસ રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

         વેક્સીનની સાઇડ ઇફેક્ટને લઇને હેલ્થ સેક્રેટરીએ માહિતી આપી હતી કે, દેશમાં માત્ર ૦.૧૮ ટકા લોકોને રસી લાગ્યા બાદ સાઇડ ઇફેક્ટ થઇ હતી અને ૦.૦૦૨ ટકા લોકોને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. રાજેશ ભૂષણે ખાતરી આપી હતી કે રસીકરણ પછી પેદા થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર પૂર્વ તૈયારી કરી ચૂક્યુ છે.

(7:23 pm IST)