Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

૧૦ મહિનામાં સેન્સેકસ ૨૫૦૦૦થી વધી થયો ૫૦,૦૦૦ : ૨ વર્ષમાં ૧૦,૦૦૦ પોઇન્ટ વધ્યો

૬ વર્ષ ૮ મહિના પ દિવસમાં સેન્સેકસે ૨૫૦૦૦થી ૫૦,૦૦૦ સુધીની સફર પૂરી કરી : રેકોર્ડ હાઇ થતાં થોડી મિનિટોમાં જ ઇન્વેસ્ટરો, કમાયા ૧ લાખ કરોડ રૂપિયા

નવી દિલ્હી, તા.૨૧: બોમ્બે સ્ટોક એકસચેન્જ (BSE) પર આજે ૩૦ શેરોવાળા મુખ્ય ઇન્ડેકસ સેન્સેકસ પહેલી વાર રેકોર્ડ ૫૦ હજાર પોઇન્ટને પાર ખુલવામાં સફળ રહ્યો. પ્રી-ટ્રેડ સેશનમાં સારા વધારા બાદ આજે Sensexએ ૫૦ હજારના સ્તરથી ઉપર ખુલ્યો. ઈતિહાસમાં આવું પહેલી વાર થયું છે જયારે BSE Senseએ ૫૦ હજાર પોઇન્ટને પાર પહોંચ્યો છે. સેન્સેકસે ૬ વર્ષ ૮ મહિના ૫ દિવસમાં ૨૫ હજારથી ૫૦ હજાર સુધીની સફર કરી છે. સેન્સેકસ ઉપરાંત આજે નેશનલ સ્ટોક એકસચેન્જ (NSE) પર નિફ્ટી ૫૦ પણ ૧૪,૭૦૦ પોઇન્ટને પાર ખુલવામાં સફળ રહ્યો છે. આ પહેલા અમેરિકામાં નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના શપથ ગ્રહણ બાદ વોલ સ્ટ્રીટમાં પણ રેકોર્ડ તેજી જોવા મળી. તેની અસર આજે એશિયન સ્ટોક માર્કેટોમાં પણ જોવા મળી રહી છે.

વર્ષ ૧૯૯૯માં પહેલીવાર સેન્સેકસ ૫,૦૦૦ પોઇન્ટને પાર પહોંચ્યો હતો. તેના ૮ વર્ષ બાદ તે ૨૦,૦૦૦ પોઇન્ટ પર પહોંચ્યો અને ૧૨ વર્ષ બાદ ૪૦,૦૦૦ પોઇન્ટને પાર પહોંચ્યો. પરંતુ હવે તે લગભગ બે વર્ષથી ઓછા સમયમાં ૧૦,૦૦૦ પોઇન્ટ વધીને ૫૦,૦૦૦ને પાર પહોંચ્યો છે.

ગયા વર્ષે જ કોરોના વાયરસના સમાચારોની વચ્ચે શેર બજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ૨૫ માર્ચે સેન્સેકસ ૨૫,૬૩૯ના સ્તર પર ગબડી ગયો હતો. જોકે બીજા જ દિવસે બજારમાં રિકવરી જોવા મળી અને તે ૩૦ હજારના સ્તર પર પહોંચવામાં સફળ રહ્યો હતો. ત્યારબાદ ૨૨ જૂન ૨૦૨૦ના રોજ ૩૫,૦૦૦ અને ૩૧ ઓગસ્ટે ૪૦,૦૦૦ને પાર પહોંચ્યો. ૪ ડિસેમ્બરે સેન્સેકસ લગભગ ૬૭ સેશનમાં ૪૫,૦૦૦ પોઇન્ટ્સને પાર પહોંચી ગયો.

રોકાણકારોને આજે બજાર ખુલવાની થોડીક જ મિનિટોમાં લગભગ એક લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. મૂળે, બુધવારે કારોબાર બંધ થયા બાદ BSEનું માર્કેટ કેપ ૧,૯૭,૭૦,૫૭૨.૫૭ પર હતું. પરંતુ ગુરૂવારે બજાર ખુલ્યાની થોડીક મિનિટો બાદ જ તે વધીને ૧,૯૮,૬૭,૨૬૫ પોઇન્ટ પર પહોંચી ગયું. આ રીતે રોકાણકારોને આજે ૯૬,૬૯૦.૧૧  કરોડ રૂપિયાનો ફાયદો થયો.

(3:47 pm IST)