Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

અમેરિકાના નવા પ્રમુખપદે બિડેનના શપથગ્રહણના થોડા સમય પહેલા પાકિસ્‍તાને શાહીન મિસાઇલનું પરિક્ષણ કર્યું: અનેક મકાનો જમીનદોસ્‍ત-અનેક લોકોને ઇજા

ઇસ્લામાબાદઃ અમેરિકામાં બુધવારે 46 પ્રમુખપદે બિડેનના શપથગ્રહણના થોડા સમય પહેલાં પાકિસ્તાને શાહીન મિસાઇલનું પરીક્ષણ કર્યું. પરંતુ તેના જ ઘણા ઘરો તબાહ થઇ ગયા અને અનેક લોકો ઘાયલ થયાના અહેવાલ છે.

પાકિસ્તાને ગઇકાલે પોતાની બેલેસ્ટિક મિસાઇલ શાહીન-3ના સફળ પરીક્ષણની જાહેરાત કરી. પાક. વડાપ્રધાન ઇમરાન ખાને પણ તેના માટે પોતાના વિજ્ઞાનીઓના વખાણ કર્યા.

પરંતુ મીડિયા અહેવાલ મુજબ આ પરીક્ષણ વિવાદોમાં ઘેરાઇ ગયું. તેનું કારણ છે કે શાહીન-3નું પરીક્ષણ બલુચિસ્તાનના ડેરા ગાઝી ખાનમાં કરવામાં આવ્યું.

બલુચિસ્તાન રિપબ્લિક પાર્ટીએ કહ્યું કે શાહીન-3 ડેરા બુગ્તી રહેણાક વિસ્તારમાં આવીને પડ્યું. જેનાથી અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે અને ઘણા લોકોને ઇજા થઇ છે.

બલુચિસ્તાનને પાક. આર્મીએ પ્રયોગશાળા બનાવી દીધી

બલુચિસ્તાન રિપબ્લિક પાર્ટીના પ્રવક્તા શેર મોહમ્મદ બુગ્તીએ ટ્વીટ કરી કે પાકિસ્તાન આર્મીએ બલુચિસ્તાનને પોતાની પ્રયોગશાળા બનાવી દીધી છે. પાક. સેનાએ શાહીન-3નું પરીક્ષણ ડેરા ગાઝી ખાન વિસ્તારમાં કર્યું, તે પછી મિસાઇલ ડેરા બુગ્તી વિસ્તારમા પડી.

આ મિસાઇલ સામાન્ય નાગરિકોની હાજરીમાં છોડવામાં આવી, જેનાથી ઘણા ઘરો તબાહ થઇ ગયા અને અનેક લોકો ઘાયલ થયા છે.

બલુચિસ્તાન રિપબ્લિકન પાર્ટીની વિશ્વને અવાજ ઉાઠાવવા માગ

શેર મોહમ્મદ બુગ્તીએ બીજી ટ્વીટમાં #MissileAttackInDeraBugti ટેગ કરીને લખ્યું કે બલુચિસ્તાન અમારી માતૃભૂમિ છે. ઓ કોઇ પ્રયોગશાળા નથી. અમે અમારા તમામ પીડિત દેશોને અપીલ કરીએ છીએ કે તેઓ પાકિસ્તાની સેનાના આ મિસાઇલ પરીક્ષણ વિરુદ્ધ અવાજ ઊઠાવે.

જ્યારે પાકિસ્તાનની એક માનવઅધિકાર કાર્યકર ફઝીલા બલોચે પણ ટ્વીટ કરી લખ્યું કે પાકિસ્તાન કાયમ બલુચિસ્તાનના પોતાના ખતરનાક શસ્ત્રોનું પરીક્ષણ કરતું રહ્યું છે. આજે તેણે પોતાની શાહીન-3 મિસાઇલનું પરીક્ષણ કર્યું. જે ડેરા બુગ્તી વિસ્તારમાં આવીને પડી.

ફઝીલાએ આ ટ્વીટમાં કેટલીક તસવીરો પણ પોસ્ટ કરી છે. સાથે દાવો કર્યો કે આ 1998માં પાકિસ્તાની પરમાણુ મિસાઇલ પરીક્ષણ દરમિયાન ઘાયલ થયા હતા.

શાહીન-3ની પ્રહારક ક્ષમતા 2750 કિમી. હોવાનો દાવો

પાકિસ્તાની સેનાએ શાહીન-3ની પ્રહારક ક્ષમતા 2750 કિમી હોવાનો દાવો કર્યો છે. જ્યારે વિશ્લેષકોનું કહેવું છે કે આ મિસાઇલ મધ્ય-પૂર્વના કેટલાક દેશો સહિત ભારતમાં ટાર્ગેટ સુધી પહોંચી શકે છે.

શાહીન-3નું મુખ્ય કેન્દ્ર ભારતઃ પાક. અધિકારી

પાકિસ્તાની સેનાએ જોકે આ પરીક્ષણની વધુ માહિતી આપી નહીં. પરંતુ પાક.ના અધિકારીઓએ એક્સપ્રેસ ટ્રીબ્યુનને જણાવ્યું કે આત્મરક્ષાની નીતિ હેઠળ આ પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેનું મુખ્ય કેન્દ્ર ભારત છે.

પાક.સેનાએ કહ્યું કે શાહીન-3 ટેક્નિક અને સશસ્ત્ર સિસ્ટમના મામલે આધુનિક છે. પરંતુ જો બિડેનના પ્રમુખપદે શપથ લેવાના થોડા કલાકો પહેલાં કરાયેલું આ પરીક્ષણ માત્ર બિડેન સરકાર પર દબાણ વધારવા માટે હોવાનું કહેવાય છે. ઇમરાન સરકાર ઇચ્છે છે કે નવી અમેરિકી સરકાર ભારત પર પાકિસ્તાન સાથે મંત્રણા કરવા દબાણ કરે.

ભારત માહોલ બગાડી રહ્યું હોવાનો આરોપ

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ મંગળવારે જણાવ્યું હતું કે અમે ભારત સાથે સારા અને સ્વસ્થ સંબંધો ઇચ્છીએ છીએ. પરંતુ ભારતની વર્તમાન સરકાર પોતાના કામોથી સમગ્ર માહોલ ખરાબ કરી દીધું છે.

અમે અમેરિકાને જણાવવા માંગીએ છીએ કે પાકિસ્તાન શાંતિના પક્ષમાં છે. અમે વાતચીત માટે બિલકુલ ખચકાતા નથી. પરંતુ ભારત તરફથી જે માહોલ ઊભુ કરવામાં આવી રહ્યું છે, તે બહુ સારું નથી.

(5:31 pm IST)