Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોનાનું સંકટ : 'દેશી વેરિએન્ટ'એ વધારી નિષ્ણાંતોની ચિંતા

બંગાળ સૌથી વધુ પ્રભાવિત : દેશમાં આ મ્યુટન્ટના કુલ ૧૩૦ કેસ

નવી દિલ્હી તા. ૨૧ : કોરોનાની નવી લહેરથી લડી રહેલા ભારતની સામે એક મોટો પડકાર આવ્યો છે. નિષ્ણાંતોનું માનવું છે કે ભારતમાં કોરોનાનો એક નવો મ્યુટન્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે દેશી છે. એવામાં દેશમાં અચાનક થયેલા કોરોના વિસ્ફોટની પાછળ એક મોટું કારણ હોય શકે છે. આ મ્યુટન્ટ બી.૧.૬૧૮ છે. મહારાષ્ટ્રમાં થયેલા જીનોમ સ્કિવેસિંગમાં તે અંગે માલુમ પડયું છે.

નિષ્ણાંતો મુજબ બી.૧.૬૧૮ના સૌથી વધુ કેસ છેલ્લા કેટલાક મહિનામાં પ.બંગાળમાં સામે આવ્યા છે. આ પ્રકારના મ્યુટન્ટના કેટલાક કેસ અમેરિકા, સ્વિટ્ઝર્લેન્ડ, સિંગાપોર અને ફિનલેન્ડમાં પણ જોવા મળ્યા છે.

દેશમાં આ મ્યુટન્ટના ૧૩૦ કેસ મળ્યા છે. તેમાંથી ૧૨૯ બંગાળમાંથી જ છે. બીજી બાજુ વિશ્વમાં મ્યુટન્ટના જે પ્રમાણમાં કેસ આવ્યા છે. તેમાંથી ૬૨.૫ ટકા ભારતમાંથી જ છે. એ જ કારણ છે કે ભારતમાં આ મ્યુટન્ટ અંગે નિષ્ણાંતોના મનમાં ચિંતાનું મોજું છે.

નવી દિલ્હીમાં સીએસઆઇઆર આઇજીઆઇબીમાં રિસર્ચર વિનોદ સકારિયાએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર જાણકારી આપી છે કે E484K એક ખતરનાક વેરિએન્ટ છે. કે જે કોઇ પ્રકારની પ્લાઝમા થેરાપીને માત આપી શકે છે.

આ નવા વેરિએન્ટના કારણે હવે બંગાળ અંગે ચિંતા વધવા લાગી છે. કારણ કે ત્યાં હાલમાં ચુંટણી ચાલી રહી છે. જેના પરિણામ ૨ મેએ આવશે. નિષ્ણાંતોનું માનવું છે કે હાલમાં એવો કોઇ પૂરાવો નથી મળ્યો કે બંગાળમાં વધતા કોરોનાના કેસ પાછળ કોઇ વેરિએન્ટનો હાથ છે.

ભારત દ્વારા જે ડેટા શેર કરવામાં આવ્યો છે તે મુજબ બી.૧.૬૧૮ની અસર એ સમયે ૧૨ ટકા સુધી છે. જે છેલ્લા ૬૦ દિવસમાં ફેલાયેલો ત્રીજો સૌથી મોટો મ્યુટન્ટ છે. ભારતમાં અત્યાર સુધીમાં યુકે, આફ્રીકા, બ્રાઝીલ વેરિએન્ટ મળી ચુકયા છે.

(11:11 am IST)