Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

બિલ લઈને ૧૨ સાંસદો ગૃહમાં ધરણા ઉપર બેઠા

કૃષિ બિલ ધ્વનિમતથી પાસ કરાવવાનો વિરોધ :વિપક્ષ કૃષિ બિલ પર વોટિંગ ઈચ્છતુ હતું પરંતુ સરકારે વિપક્ષના અધિકારોને નકારતા બિલને આગળ વધાર્યું હતું

નવી દિલ્હી, તા.૨૦ : વિપક્ષી પાર્ટીઓના ભારે વિરોધ વચ્ચે રાજ્યસભામાંથી પણ કૃષિ બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) બિલ-૨૦૨૦ અને ખેડૂત (સશક્તિકરણ અને સુરક્ષા) ભાવ ખાતરી કરાર અને કૃષિ સેવાઓ બિલ -૨૦૨૦ ને પાસ કરાવી લેવામાં આવ્યા. ધ્વનિમતથી પાસ થયા પહેલા આ બિલ પર ગૃહમાં ભારે હંગામો થયો હતો. તો ૧૨ સાંસદો ધરણા પર બેસી ગયા હતા. ગૃહમાં બિલ પાસ થયા બાદ કેટલાક સાંસદો રાજ્યસભામાં ધરણા પર બેઠા હતા. પરંતુ બાદમાં રાજ્યસભા સાંસદોએ ગૃહની અંદર ધરણા સમાપ્ત કર્યાં અને સંસદ પરિસરમાં ગાંધીજીની મૂર્તિ પાસે ધરણા આપવા લાગ્યા હતા. વિપક્ષી પાર્ટીોના નેતા ગાંધી સ્ટેચ્યૂ પર ધરણા પર બેઠા જેમાં કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, તૃણમૂલ સહિત અન્ય પાર્ટીઓ સામેલ હતી. થોડા સમય બાદ આ સાંસદોના ધરણા સમાપ્ત થઈ ગયા હતા. આ પહેલા તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ ડેરેક ઓ બ્રાયને કહ્યુ કે, વિપક્ષી દળો ગૃહમાં ધરણા પર બેઠા છે.

             વિપક્ષ કૃષિ બિલ પર વોટિંગ ઈચ્છતુ હતું. પરંતુ સરકારે વિપક્ષના અધિકારોને નકારતા બિલને આગળ વધાર્યું હતું. બિલને ધ્વનિમતથી પાસ કરાવવાને લઈને પણ વિપક્ષી પાર્ટીઓ આક્રમક છે. કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ટ્વીટ કર્યુ, આજે રાજ્યસભામાં કિસાનોના હિસની ધોળા દિવસે હત્યા કરી દેવામાં આવી. ભારતના કિસાન મોદીને ક્યારેય માફ કરશે નહીં. ડેરેક ઓ બ્રાયને કહ્યુ કે, સરકારે છેતરપિંડી કરી. તેમણે સંસદમાં દરેક નિયમ તોડ્યો. આ દિવસ ઐતિહાસિક હતો, સૌથી ખરાબ રીતે. તેમણે રાજ્યસભા ટીવીની ફીટ કાપી દીધી, જેથી દેશ ન જોઈ શકે. તેમણે (સરકાર)એ રાજ્યસભા ટીવીને સેન્સર કરી. અમારી પાસે પૂરાવા છે.

(12:00 am IST)