Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

૩૦૦ ઓછા કર્મચારી હશે તો કંપની મરજી મુજબ છટણી કરી શકાશે

સરકારની મંજૂરી નહીં લેવી પડે, નવા લેબર કોડ સામે કોંગ્રેસનો વિરોધ

નવી દિલ્હી,તા.૨૧: લોકસભામાં કેન્દ્રીય શ્રમમંત્રી સંતોષ ગંગવારે રજૂ કરેલા ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ બિલ ૨૦૨૦ અંતર્ગત હવેથી જે કંપનીઓમાં કર્મચારીઓની સંખ્યા ૩૦૦ થી ઓછી છે તે સરકારની મંજૂરી વિના જ કર્મચારીઓની છટણી કરી શકશે. અત્યાર સુધી ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ કોડ બિલ ૨૦૧૯ના અંતર્ગત આ જોગવાઇ માત્ર એવી કંપનીઓ માટે હતી. જેમાં ૧૦૦ થી ઓછા કર્મચારી હોય. હવે નવા બિલમાં આ મર્યાદાને વધારી દેવાઇ છે. આ ઉપરાંત મંત્રી સંતોષ ગંગવારએ વધુ લેબર કોડ બિલ પણ રજૂ કર્યા હતા. જેમાં કોડ ઓન સોશિયલ સિકયોરિટી -૨૦૨૦ અને ઓકયુપેશનલ સેફટી, હેલ્થ એન્ડ વર્કિંગ કન્ડીશન કોડ ૨૦૨૦નો સમાવેશ થાય છે.

લોકસભામાં બિલ રજૂ કરવાની સાથે મંત્રીએ જણાવ્યું કે આ તમામ સાથે મંત્રીએ જણાવ્યુું કે, આ તમામ વિધેયકોને આ પહેલા ૨૦૧૯માં લોકસભામાં રજૂ કરાયા હતા. ત્યારબાદ તેને સંસદની સ્થાયી સમિતિની સમક્ષ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તમામ હિતધારકોની સાથે વિભારવિર્મશ બાદ સ્થાયી સમિતિનએ એક રિપોર્ટ સુપરત કર્યો હતો. શ્રમ અને રોજગાર મંત્રાલયે તમામ ૨૩૩ સૂચનોનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમાંથી ૭૪ ટકા સૂચનોનો સ્વીકાર કરાયો છે.

કેન્દ્રના આ બિલનો કોંગ્રેસના સાંસદ મનીષ તીવારી અને શશિ થરૂરે વિરોધ કર્યો હતો. મનીષ તિવારીએ જણાવ્યું કે આ બિલ કર્મચારીઓના અધિકારો પણ હુમલો છે. મંત્રીએ બિલને તુરંત પરત ખેંચી લેવું જોઇએ અને તેની પર વ્યાપક ચર્ચા થવી જોઇએ. જ્યારે શશિ થરૂરે જણાવ્યું કે આ ત્રણેય બિલ કર્મચારીઓનો હડતાલ કરવાના અધિકારને છીનવી લેશે. એટલુ જ નહીં રાજ્યને કેન્દ્રને એવો અધિકાર આપે છે કે કયારેય પણ, કોઇ પણ કર્મચારીનુ છૂટો કરી શકાય.

(10:20 am IST)