Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

ટાર્ગેટ પુરો કરવા ડોક્ટરે ૧૫ કોરોના ટેસ્ટ કરાવ્યા

કોરોના કાળમાં ડોક્ટરના વ્યવસાયને લજવતી ઘટના : મથુરાના ડોક્ટરનો ટેસ્ટ કરાવતો વીડિયો વાયરલ થતાં તંત્ર હરકતમાં આવ્યું, ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી

મથુરા, તા. ૨૧ : લોકો પૈસાની લાલચમાં કઈ હદે નીચે જઈ શકે છે તેનું એક તાજુ ઉદાહરણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક ડોક્ટર કોરોના વાયરસની તપાસ માટે પોતાના સેમ્પલ આપી રહ્યા છે. બધાને લાગે કે ડોક્ટર પણ માણસ છેને તો ટેસ્ટ આપે એમાં શું મોટી વાત છે. જોકે વીડિયોમાં એક ગોટાળો છુપાયેલો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં ડોક્ટર ટેસ્ટના ટાર્ગેટ પૂરા કરવા માટે પોતાના એકથી વધુ સેમ્પલ આપતા દેખાય છે.

વીડિયો કથિત રીતે ઉત્તર પ્રદેશના મથુરા સ્થિત એક સ્વાસ્થ્ય કેન્દ્રનો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાં કોરોના વાયરસના સેમ્પલિંગ માટે ડ્યુટી પરના ડોક્ટરે લેબ ટેક્નીશિયનને કોરોના ટેસ્ટ માટે પોતાના સેમ્પલ આપી રહ્યા છે. ડોક્ટર એક, બે નહીં, પરંતુ ૧૫થી વધારે સેમ્પલ આપી રહ્યા છે. વીડિયોમાં ડોક્ટર કહેતા સંભળાઈ રહ્યા છે કે, સેમ્પલ ઓછા પડી ગયા, એટલે પોતાનું સેમ્પલ કરાવી રહ્યો છું. એટલે કે ડોક્ટર પોતાના કોરોના ટેસ્ટનો ટાર્ગેટ પૂરવો કરવા માટે પોતાના ફેક સેમ્પલ આપી રહ્યા છે. બાદ તેઓ સેમ્પલને લેબમાં ખોટા નામો સાથે મોકલી દેતા હતા. મામલે હવે રાજ્ય સરકાર દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે એકબાજુ કોરોના વાયરસની મહામારીના સમયમાં ઘણા ડોક્ટર્સ પોતાનો જીવ જોખમમાં મૂકીને સતત દર્દીઓની સેવા કરી રહ્યા છે. દરમિયાન ઘણા ડોક્ટર્સ સંક્રમિત થયા અને કેટલાકે પોતાનો જીવ પણ ગુમાવી દીધો. તેમને કપરાકાળમાં કોરોના વોરિયર્સ કહેવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ ડોક્ટર્સની છબીના નુકસાન પહોંચાડતી પ્રકારની ઘટના સામે આવી રહી છે. જે ખરેખર ખૂબ નિંદનીય છે.

(7:23 pm IST)