Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

કોરોના ચેપને ઓછી કરતી દવા શોધ્યાનો સ્પેનનો દાવો

આ દવા આપવાથી કોરોના દર્દીને મોતથી બચાવી શકાશે : સંશોધન કરતી ટીમે ડ્રગ-૪ ફિનાયલ બ્યુટ્રસિક એસિડ (૪-પી.બીએ)નો પ્રયોગ ઘણા પ્રાણીનાં મોડેલ્સ પર કરાયો

મેડ્રિડ, તા. ૨૧ : સ્પેનની મલાગા યુનિવર્સિટીના સંશોધકોએ કોરોના અને સાર્સના ચેપને ઓછો કરી નાખતી દવા શોધી કાઢ્યાનો દાવો કર્યો છે. પ્રોફેસર ઇવાન ડુરાને જણાવ્યું હતું કે તેમની ટીમે ડ્રગ-૪ ફિનાયલ બ્યુટ્રસિક એસિડ(૪-પી.બી.એ.)નો પ્રયોગ અમુક પ્રાણીઓનાં મોડેલ્સ પર કર્યો હતો.તે પ્રયોગનાં પ્રાથમિક પરિણામો દ્વારા એવો સંકેત મળ્યો છે કેઆ દવાના ઉપયોગથી દર્દીનું મૃત્યુ થતું નથી. કોવિડ-૧૯ના દર્દીને શ્વાસોચ્છવાસની ગંભીર સમસ્યા થાય છે. પરિણામે દરદીનું મૃત્યુ થાય છે. આ પ્રયોગનું સંશોધનપત્ર જર્નલ સાયટોકાઇન એન્ડ ગ્રોથ ફેક્ટર્સ રિવ્યુમાં પ્રસિદ્ધ થયું છે.

આ સંશોધનપત્રમાં લખાયું છે કે કોવિડના ગંભીર દરદીના શરીરનાં અમુક અંગોમાં સોજા ચડી જાય છે. ઉપરાંત તે દરદીના શરીરમાં સાયટોકાઇન નામનું તત્વ બહુ ઝાઝા પ્રમાણમાં ઝરે છે. પરિણામે દરદીનાં એક કરતાં વધુ અંગો કામ કરતાં અટકી જાય છે.તે અંગોની કુદરતી કાર્યક્ષમતામાં ગંભીર અવરોધ સર્જાય છે.જોકે  માનવ શરીરમાંના કોષ આ સાયટોકાઇન તત્ત્વને ઝરતાં રોકી શકે છે. ખરેખર તો આ જ કોષને સોજા ચડી ગયા હોવા છતાં તે પેલા સાયટોકાઇનના આક્રમણને રોકી શકે છે. વિજ્ઞાનીઓ કહે છે કે કોવિડ-૧૯ના દરદીના શરીરમાંના કોષને સોજા ચડી જાય ત્યારે તે પેલા સાયટોકાઇન નામના તત્ત્વનો જ ઉપયોગ કરે છે.આમ કોવિડ-૧૯ના દરદીના શરીરમાંના કોષમાં સોજા ન ચડી જાય તે માટે આ દવા કારગત નિવડી શકે છે.

તબીબી વિજ્ઞાનીઓએ એવી માહિતી પણ આપી હતી કે ૪-પી.બી.એ.ડ્રગના ઉપયોગથી દરદીના શરીરમાંના કોષમાં સોજા નથી ચડતા.૪-પી.બી.એ. ડ્રગની ક્લિનિકલ ટ્રાયલ માટે અમનેજરૂરી બધી મંજુરી પણ મળી ગઇ છે.વળી,આ ડ્રગનો ઉપયોગ બીજા રોગની સારવાર માટે પણ થઇ શકે છે.

(9:39 pm IST)