Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

તબલિગીઓને કારણે દેશમાં કોરોના ચેપ ફેલાયોઃ સરકાર

રાજ્યસભામાં એક સવાલના ઉત્તરમાં આરોપ : માસ્ક, સેનીટાઇઝર કે બીજી કોઇ અગમચેતી વિના એક સ્થળે તબલિગી જમાતની ભીડ લાંબા સમય સુધી રહી

નવી દિલ્હી, તા. ૨૧ : કેન્દ્ર સરકારે કોરોના મહામારી અને તબલિગી જમાત વચ્ચેના સંબંધ અંગે સોમવારે રાજ્યસભામાં કહ્યું હતું કે માસ્ક, સેનીટાઇઝર કે બીજી કોઇ અગમચેતી વિના એક સ્થળે તબલિગી જમાતની ભીડ લાંબા સમય સુધી રહી હતી એટલે કોરોનાનું સંક્રમણ વધી ગયું હતું. આ સંદર્ભમાં પોલીસે તબલિગી જમાતના ૨૨૩ જણની ધરપકડ કરી હતી,. જમાતના વડા મનાતા મૌલાના સાદની તપાસ હજુ ચાલુ છે.  આ વર્ષના માર્ચની આખરે નિઝામુદ્દીન મરકજમાં હજારો દેશી વિદેશી તબલીગીઓ એકઠા થયા હતા. આ લોકોએ માસ્ક કે સેનીટાઇઝર યા અન્ય કોઇ અગમચેતીનું પાલન કર્યું નહોતુંય અહીંથી નીકળીને ઘણા તબલીગીઓ દેશના વિવિધ સ્થળે પ્રસરી ગયા હતા અને તેમને કારણે કોરોનાનું સંક્રમણ વધી ગયું હતું. મૌલાના સાદ તબલીગી જમાતના નેતા હોવાનું કહેવાય છે.

મુસ્લિમ વિદ્વાન અને સંશોધક અતીક ઉર રહેમાનના કહેવા મુજબ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન તબલીગ સમાજની સ્થાપના થઇ હતી. આ લોકો સુન્ની મુસ્લિમ હોય છે અને ઇસ્લામનો પ્રચાર કરે છે. દુનિયાભરમાં આ સમાજના ૧૫૦ મિલિયન સભ્યો હોવાનો જમાતનો દાવો છે.

(9:40 pm IST)