Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ટાટા હાઉસિંગ દ્વારા ફેસ્‍ટીવલ ઓફર અંતર્ગત સૌથી સસ્‍તા 3.99 ટકાના વ્‍યાજ ઉપર હોમ લોન આપવાની જાહેરાત

નવી દિલ્હી: ઘર ખરીદનારા સામે સૌથી મોટો પડકાર હોમલોનનો હોય છે. ઘરની કિંમતો મુજબ લોન વેલ્યુ મળવી, અને તે પણ આકર્ષક વ્યાજ દરે તે મોટો પડકાર બની રહે છે. હવે ફેસ્ટીવ સીઝનમાં હોમ લોન લેવાનું વિચારતા હોવ તો મોટી ઓફર આવી છે. ટાટા હાઉસિંગે પોતાની સૌથી સસ્તા વ્યાજ દરની આકર્ષક સ્કિમ લોન્ચ કરી છે.  કંપની ફક્ત 3.99 ટકા વ્યાજ ઉપર હોમ લોન આપી રહી છે. જો કે આ વ્યાજદર ફક્ત પહેલા વર્ષ માટે લાગુ રહેશે.

ટાટા હાઉસિંગ તરફથી ઘર ખરીદનારા ગ્રાહકોએ હોમ લોન પર એક વર્ષ માટે 3.99 ટકા વ્યાજ દરની ચૂકવણી કરવાની રહેશે. કંપની ગ્રાહકોને આકર્ષવા માટે વ્યાજની બાકી રકમની ચૂકવણી પોતે વહન કરશે. આ સ્કિમ 20 નવેમ્બર સુધી 10 પ્રોજેક્ટ માટે માન્ય રહેશે.

બાકીનો ખર્ચ કંપની ઉઠાવશે

કંપનીએ જણાવ્યું છે કે આ સ્કિમ હેઠળ ગ્રાહકોએ એક વર્ષ માટે ફક્ત 3.99 ટકા ફ્લેટ વ્યાજ દરની ચૂકવણી કરવાની રહેશે. બાકી ખર્ચ ટાટા હાઉસિંગ ઉઠાવશે. કંપનીના જણાવ્યાં મુજબ ગ્રાહકોને બુકિંગ બાદ પ્રોપર્ટીના આધાર પર 25,000 રૂપિયાથી લઈને આઠ લાખ રૂપિયા સુધીનું ગિફ્ટ વાઉચર મળશે. વાઉચર 10 ટકા ચૂકવણી કર્યા અને પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન બાદ આપવામાં આવશે.

ફેસ્ટીવ ઓફર્સનો ફાયદો

ટાટા રિયલ્ટી એન્ડ ઈન્ફ્રાસ્ટ્રેક્ચરના MD અને CEO સંજય દત્તના જણાવ્યાં મુજબ કોરોના મહામારીના કારણે છેલ્લા કેટલાક મહિનાઓથી રિયલ એસ્ટેટ ક્ષેત્ર સૌથી વધુ પ્રભાવિત થયું છે. પરંતુ હવે સુધારાના સંકેત જોવા મળી રહ્યાં છે. સરકાર અને RBIએ રિયલ એસ્ટેટ ક્ષેત્રને રાહત આપવા માટે અનેક પગલાં ઉઠાવ્યા છે. હવે ખાનગી ક્ષેત્રનો વારો છે કે તે ઘર ખરીદનારાઓની મદદ કરે. પરંપરાગત રીતે ફેસ્ટીવ સીઝન દરમિયાન ઘરોનું વેચાણ વધુ રહે છે. આ જ કારણ છે કે રિયલ એસ્ટેટ ડેવલપર ગ્રાહકોને આકર્ષવા માટે આ દરમિયાન જાત જાતની સ્કિમોને લોન્ચ કરે છે.

આ કંપનીઓ પણ આપી છે ઓફર

મુંબઈની કલ્પતરુ લિમિટેડે પણ ફેસ્ટીવ સીઝનમાં સબવેન્શન સ્કિમ લોન્ચ કરી છે. જે હેઠળ ઘર ખરીદનારાઓને ફક્ત 10 ટકા પેમેન્ટ કરવાનું રહેશે. આગામી બે વર્ષ સુધી ગ્રાહકો પાસેથી કોઈ પૈસા લેવાશે નહીં. આ સાથે જ મર્યાદિત પ્રોજેક્ટ્સ પર ઝીરો સ્ટેમ્પ ડ્યૂટીની પણ ઓફર આપવામાં આવી છે. આ ઉપરાંત વાઘવા ગ્રુપે પણ પોતાના મર્યાદિત પ્રોજેક્ટમાં રેડી ટુ મૂવ યુનિટને ફક્ત 10 ટકા પેમેન્ટથી બૂક કરવાનો વિકલ્પ આપ્યો છે. બાકીનું બેલેન્સ પેમેન્ટ એક વર્ષ બાદ અદા કરવાનું રહેશે.

(5:36 pm IST)