Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

૧૬.૯૭ લાખ રેલવે-ટપાલ વગેરે જેવા બિન ગેઝેટેડ કર્મચારીઓને પણ અપાશે બોનસઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરની જાહેરાત

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં 30 લાખ સરકારી કર્મચારીઓને દિવાળી બોનસ આપવાનું એલાન કરવામાં આવ્યું છે.

કોરોનામાં નોકરીઓ અને પગાર કાપના આંચકાઓ વચ્ચે કેન્દ્રીય કેબિનેટ દિવાળીમાં 30.67 લાખ કર્મચારીઓને બોનસ આપવાની મંજૂરી આપી દીધી છે. આ લાભ બિન ગેઝેટેડ સરકારી કર્મચારીઓને મળશે. તેનો સરકારી તિજોરી પર કુલ 3,737 કરોડ રુપિયાનો બોજ પડશે.

રેલવે, ટપાલ, સંરક્ષણ, EPFO, ESICના કર્મીઓને લાભ

કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે 2019-20 માટે ઉત્પાદક્તા અને બિનઉત્પાદક્તા સંબંધિત બોનસને મંજૂરી આપી દીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યે છે. જેનો રેલવે, ટપાલ, સંરક્ષણ, EPFO, ESIC જેવા ક્ષેત્રોના બિન ગેઝેટેડ 16.97 લાખ કર્મચારીઓને લાભ મળશે.

નોન-PLB અથવા એડહોક બોનસનો લાભ કેન્દ્ર સરકારના 13.70 લાખ બિન ગેઝેટેડ કર્મચારીઓને મળશે. તેમ સરકારે જણાવ્યું છે.

આ અંગે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કેબિનટેની બેઠક બાદ જાહેરાત કરી હતી.

નોંધનીય છે કે નોન-PLB અથવા એડહોક બોનસ બિન ગેઝેટે સરકારી કર્મચારીઓને આપવામાં આવે છે. આ બોનસ કર્મચારીઓના પાછલા નાણાવર્ષમાં તેમના પ્રદર્શન બદલ આપવામાં આવે છે. સામાન્ય રીતે તેની ચુકવણી દશેરા કે દુર્ગાપૂજા પહેલાં કરી દેવામાં આવે છે. તેથી તાત્કાલિક તેની જાહેરાત કરવામાં આવી હોવાનું સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.

(DBT) મારફતે સીધા કર્મચારીઓના ખાતામાં જમા થશે

કેબિનેટના નિર્ણયો અંગેની જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે ડાયરેક્ટ કર્મચારીઓના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે. હાલ પૈસા ટ્રાન્સફર કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. દશેરા કે દુર્ગા પૂજા પહેલા જ 30 લાખ કેન્દ્રીય સરકારના કર્મચારીઓને 3737 કરોડ રૂપિયાના બોનસની તુરત ચૂકવણી શરૂ થશે.

અગાઉ ગત સપ્તાહે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે સરકારી કર્મચારીઓ માટે સ્પેશિયલ ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમની શરૂઆત કરવાની જાહેરાત કરી હતી. જેના થકી કર્મચારીઓ એડવાન્સમાં 10 હજાર રૂપિયા લઈ શકશે.

અગાઉ નાણામંત્રીએ સ્પેશિલ LTC કેશ સ્કીમની જાહેરાત કરી હતી

જણાવી દઈએ કે, કોરોના મહામારીની અર્થ વ્યવસ્થા પર માઠી અસરને જોતા નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સ્પેશિલ LTC કેશ સ્કીમની પણ જાહેરાત કરી છે. જેનો ફાયદો કેન્દ્ર સરકારના કર્મચારીઓને  મળશે.

આ સ્કીમમાં LTAના બદલે કર્મચારીઓને કેશ વાઉચર મળશે. જો કે તેનો ઉપયોગ 31 માર્ચ, 2021ના પહેલા જ કરવો પડશે. જો કે આ સુવિધાનો લાભ લેવા માટે સરકારની કેટલીક ગાઈડલાઈન્સ છે. જેનું પાલન કરવું પડશે.

(5:38 pm IST)