Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ધાવણા બાળકોને પ્લાસ્ટિકની બોટલમાં દૂધ આપવું જોખમી:સંશોધનમા ખુલાસો

આયર્લેન્ડના વિજ્ઞાનીઓએ પ્લાસ્ટિક અથવા પોલીપ્રોપ્લીનની બોટલો વિશે કરેલા સંશોધનમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી: ધાવણા બાળકને પ્લાસ્ટિકની બોટલમાં દૂધ આપવું હાનિકારક હોવાનું સંશોધન તાજેતરમાં પ્રગટ થયું હતું. આયર્લેન્ડના વિજ્ઞાનીઓએ પ્લાસ્ટિક અથવા પોલીપ્રોપ્લીનની બોટલો વિશે સંશોધન હાથ ધર્યું હતું. આ સંશોધનની વિગતો નેચર ફૂડ જર્નલ નામના સામયિકમાં પ્રગટ થઇ હતી.

 સંશોધકોએ એવો દાવો કર્યો હતો કે આવી બાટલીઓ અત્યંત ઝીણા ઝીણા પ્લાસ્ટિકના કણ છોડે છે જે બાળકના શરીરમાં જાય છે. આ સંશોધકોએ કહ્યું હતું કે વાસ્તવમાં દરેક માણસ જાણ્યે અજાણ્યે પ્લાસ્ટિકના અત્યંત ઝીણા ઝીણા કણ લગભગ રોજ શરીરમાં ઊતારતો હોય છે. એનાથી આરોગ્યને થનારા નુકસાન વિશે બહુ થોડા લોકો જાણતા હોય છે.

 આ સંશોધકોએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને નક્કી કરેલા ધારાધોરણ મુજબ દૂધ તૈયાર કરીને તેમજ પ્લાસ્ટિકની બોટલ સ્ટરીલાઇઝ્ડ (જંતુનાશક ) કરીને સતત એકવીસ દિવસ સુધી નિરીક્ષણ કર્યું હતું. એમને પોતાના નિરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે આ પ્લાસ્ટિકની બાટલીએ દર એક લીટર દૂધે પ્લાસ્ટિકના 13 લાખથી માંડીને એક કરોડ 62 લાખ માઇક્રોપાર્ટિકલ્સ છોડ્યા હતા જે બાળકના શરીરમાં પ્રવેશતા હતા.

આ વિજ્ઞાનીઓ એવા તારણ પર આવ્યા હતા કે પ્લાસ્ટિકની બોટલથી દૂધ પીતું દરેક નવજાત બાળક પહેલા 12 મહિના દરમિયાન રોજ સરેરાશ પ્લાસ્ટિકના 10.60 લાખ માઇક્રોપાર્ટિકલ્સ ગળી જતું હતું. આમ થવાનાં બે કારણો આ વિજ્ઞાનીઓએ તારવ્યાં હતાં. એક બોટલ સ્ટરિલાઇઝ્ડ કરાય તે અને બીજું કારણ નવશેકું દૂધ. આ બે બાબતો માઇક્રોપાર્ટિકલ્સને છૂટવામાં મદદ કરતા હતા.

(7:20 pm IST)