Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

૭ જીવતા ભુંજાયા : સુરેન્દ્રનગર પાસે કારમાં સાત લોકો જીવતા સળગી ગયાઃ સાંતલપુર પંથકના બે પરિવારનો માળો વિખાયો

ખેરવાના વળાંક પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત બાદ કાર સળગી : સાંતલપુર અને રાધનપુર તાલુકાના કોરડા અને નાનાપુરા ગામના બે દંપતિ - પુત્ર - પુત્રી સહિત પરિવારના સભ્યોનો ભોગ લેવાતા અરેરાટી

વઢવાણ : ઉપરની તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત વાહનો નજરે પડે છે. જ્યારે નીચેની તસ્વીરમાં સાંતલપુર પંથકના હતભાગી મૃતકોના ફાઇલ ફોટા. (તસ્વીર : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૧ : સુરેન્દ્રનગર જિલ્લાના ખેરવા ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં વારાહી તાલુકાના કોરડા ગામના પરિવારના સાત સભ્યો કારમાં જ જીવતા ભૂંજાતા અરેરાટી વ્યાપી ગઇ છે. અકસ્માત બાદ કાર સળગી ઉઠતા આ અકસ્માત સર્જાયો હતો.

એક જ પરીવારના ૪ સભ્યો જે સાંતલપુરના કોરડા ગામના હોવાનું સામે આવ્યું છે . પતિ, પત્નિ અને ૨ બાળકોના કરૂણ મોત નીપજયા છે. જયારે અન્ય ૩ લોકો પણ નાનાપુરા ગામના એક જ પરીવારના સભ્યો છે . જેમાં પતિ, પત્નિ અને પુત્રનો સમાવેશ થાય છે .

આ તમામ લોકો શુક્રવારે ચોટીલા ખાતે દર્શન કરીને પરત ફરતા મોડીરાત્રે અકસ્માત સર્જાતા કરુણ મોત નીપજયા છે. જયારે અકસ્માતમાં આબાદ બચાવ થયેલ મહિલાને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયેલ છે.  હાલમાં સમગ્ર અકસ્માત મામલે પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે તો નાનાપુરા અને કોરડા ગામમા શોકનો માહોલ સર્જાયો છે.

આ અકસ્માતમાં સાંતલપુરના કોરડા ગામના નાઇ રમેશભાઇ મનસુખભાઇ, નાઇ કૈલાષબેન રમેશભાઇ - પત્નિ, નાઇ મિતલ રમેશભાઇ - પુત્રી નાઇ શનિ રમેશભાઇ - પુત્ર તથા નાનાપુરા (રાઘનપુર)ના નાઇ હરેશભાઇ ચતુરભાઇ, નાઇ તેજશબેન હરેશભાઇ - પત્નિ, નાઇ હર્ષદ હરેશભાઇ - પુત્રના મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ તરફથી સુરેન્દ્રનગર આવતું ડમ્પર અને સુરેન્દ્રનગરથી ખેરવા તરફ જતી ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાવાનાં પામ્યો હતો ત્યારે ખેરવા ગામ પાસે આવતા વળાંકમાં ઇકો કાર પૂરઝડપે આવતી હતી તે સમયે ત્યાંથી પસાર થતા ડમ્પર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને આ અકસ્માત સર્જાવાનાં પામ્યો હતો ત્યારે આ ડમ્પર સાથે ઇકો કાર અથડાતા તાત્કાલિક પણ એક કારમાં આગ લાગી જવા પામી હતી ત્યારે વહેલી સવારે આ રોડ ઉપર કોઈ અવાર જવર ન હોવાના કારણે ઇકો કાર સળગતી રહી હતી અને કયાં કોઈ પણ જાતની ફાયર બ્રિગેડની સુવિધા ન હોવાના કારણે ઇકો કાર અકસ્માત બાદ સળગતી રહી હતી.

ઇકો કારમાં સવાર ૭ લોકો ઘટના સ્થળે જ સળગી ઊઠયા હતા અને બળીને ખાખ બની જવા પામ્યા હતા ત્યારે તાત્કાલિક ઘોરણે માલવણ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

માલવણ પીએસઆઇ જાડેજાએ  જણાવ્યું હતું કે, આ કાર અથડાતાની સાથે કારમાં આગ લાગી જવા પામી હતી જેને લઈને અંદર બેસેલા સાત લોકો ઘટના સ્થળે જ બળીને ભડથું થઈ જવા પામ્યા છે ત્યારે હાલમાં ગાડીની નંબર પ્લેટ ઉપરથી તેમના પરિવારજનોની વિગત મેળવતા પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ પરિવાર વરાહી ગામનો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે ત્યારે હાલમાં કોઈ મૃતકની ડેડ બોડી પણ હાથમાં આવી નથી. તમામ ઇકોના કાર સવાર બળીને ભડથું થઈ જવા પામ્યા છે.

માલવણ પોલીસ મથકનો લેન્ડલાઈન નંબર બંધ હાલતમાં આવતો હોવાના કારણે આ અકસ્માત બાદ રાહદારીઓ દ્વારા કોઇપણ જાતનો પોલીસનો સંપર્ક થવા પામ્યો ન હતો ત્યારે ત્યાંથી પસાર થતા જાગૃત નાગરિક દ્વારા પોલીસ સ્ટેશનના પીએસઆઇનો નંબર સાધતા ત્યારબાદ માલવણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.

(2:50 pm IST)