Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

કોરોનાના વધતા કેસના લીધે દિવસે મેરેજ મંજુર... રાતે નહીં

કોરોના રાતે ફેલાય, દિવસે નહીં ? ગુજરાત સરકારનું ગજબ લોજિક

મુંબઇ તા. ૨૧ : કોરોનાનું સંક્રમણ વધતાં અમદાવાદમાં કરફયુનો અમલ શરૂ થઈ ગયો છે ત્યારે અમદાવાદમાં એકાએક ગઈ કાલે રાતથી સોમવારે સવારે ૬ વાગ્યા સુધી કરફયુ જાહેર કરાતાં એકલા અમદાવાદમાં આ શનિ–રવિવારના બે દિવસમાં યોજાનારાં અંદાજે ૧૫૦૦થી ૧૬૦૦ જેટલાં લગ્નોને કોરોના-કરફયુનું ગ્રહણ લાગ્યું છે અને આ લગ્નો અટવાઈ ગયાં છે, એટલું જ નહીં, જેમના ઘરે લગ્નપ્રસંગ છે એવા અસંખ્ય પરિવારો મૂંઝવણમાં મુકાવાની સાથોસાથ ચિંતિત પણ છે. જોકે મોડી સાંજે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિન પટેલે એવી જાહેરાત કરી કે 'જેમને ત્યાં દિવસનાં મેરેજ છે તેમને પરવાનગી મળશે, પણ રાતે લગ્ન હશે તેમને છૂટ નહીં મળે. દિવસે લગ્ન-સમારંભ યોજવા માટે સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં વધુમાં વધુ ૨૦૦ મહેમાનોનાં નામની યાદી સુપરત કરીને પરવાનગી લેવાની રહેશે.'

અમદાવાદના સરદાર નગરમાં બંગલો એરિયામાં રહેતા અને જેમના દીકરાનાં મેરેજ આ રવિવારે છે તે હીરો સી. બજાજે કરફયુ લાગતાં કહ્યું કે 'મારા દીકરા કૃણાલનાં લગ્ન રવિવારે રાતે છે અને કરફયુ લાગ્યો છે એટલે મુશ્કેલી વધી છે. મહેમાનો ઘરે આવી ગયા છે. ઘણા મહેમાનો લગ્ન માટે અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે અમદાવાદમાં કરફયુની વાત સાંભળતાં જ રસ્તામાં ઊતરીને પાછા રતલામ જતા રહ્યા તેમ જ મારા કઝિન સુરતથી આવી રહ્યા હતા તેઓ પણ પાછા સુરત જતા રહ્યા છે. અમે ગુરુદ્વારામાં જઈને પણ લગ્નનું મુહૂર્ત સાચવી લઈએ, પણ એને માટે મંજૂરી ન આપે તો શું કરીએ? પોલીસ કહે છે કે પરમિશન ન આપીએ. આમાં કંઈક રસ્તો નીકળે તો સારુ.'

તેમણે વધુમાં કહ્યું, 'દિવાળી પછી લગ્ન માટે પહેલું મુહૂર્ત શનિવાર અને રવિવારે નીકળ્યું હતું, પણ હવે અમદાવાદમાં વધતાજતા કોરોનાના સંક્રમણને કારણે કરફયુ જાહેર કરવામાં આવતાં જેમના ઘરે લગ્નપ્રસંગ છે તેઓ અને વેડિંગ ઇન્ડસ્ટ્રીઝવાળા મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ શનિવાર-રવિવારે યોજાનારાં લગ્ન માટે કંકોતરી વહેંચાઈ ગઈ; હોલ, કેટરર્સ, ડેકોરેશન, સંગીત સહિતના લગ્નપ્રસંગની ઇવેન્ટ માટે પેમેન્ટ ચૂકવાઈ ગયું, કપડા–દાગીના લઈ લીધાં, સગાવવહાલાં–મામેરિયાત ઘરે આવી ગયા અને લગ્નનો આનંદોત્સવનો માહોલ છવાઈ ગયો છે એવા સમયે જ કોરોનાનો કરફયુ લાગતાં જેમના ઘરે લગ્ન લેવાયાં છે તેઓ મૂંઝવણમાં મુકાયા છે કે હવે કરવું શું?'

અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતાં કરફયુ જાહેર થતાં વેડિંગ ઇન્ડસ્ટ્રીઝવાળા પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અમદાવાદના વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ આજે એકઠા થયા હતા અને સરકાર તેમના નિર્ણયમાં થોડો ફેરફાર કરે એવી લાગણી વ્યકત કરી હતી.

વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકળાયેલા કૃષ્ણા ઇવેન્ટ્સના મિતેશ જૈને કહ્યું કે 'અમદાવાદમાં આ શનિ–રવિવારના બે દિવસમાં અંદાજે ૧૫૦૦થી ૧૬૦૦ જેટલાં લગ્નો છે. કોરોનાના ૯ મહિના પછી લગ્ન માટે આ પહેલું મુહૂર્ત આવ્યું છે અને કરફયુ મુકાયો છે. આમ પણ કોરોનાને કારણે ઢોલવાળાથી માંડીને ડેકોરેશન સુધીની અમારી ઇન્ડસ્ટ્રીઝ પડી ભાંગી છે. જેમને ત્યાં મેરેજ છે તેઓએ કંકોતરી મોકલી દીધી છે તેઓ કેવી રીતે આગળ વધશે?'

હોલના, બેન્ડવાજાના અને કેટરર્સના પૈસા એડ્વાન્સમાં ભરી દીધા છે. હવે કરફયુ લાગ્યો છે તો કયાં જવું અને શું કરવું એ કાંઈ સમજાતું નથી. અમે મૂંઝાઈ ગયા છીએ

(10:17 am IST)