Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

ચેન્નાઇ : રેપના ખોટા કેસથી યુવકની જિંદગી - કેરિયર બરબાદ થઇ : યુવતી - પરિવારે દેવું પડશે ૧૫ લાખનું વળતર

કેસ કરનાર યુવતી અને યુવકના પરિવારોએ તેમના લગ્ન કરાવવાનું નક્કી કર્યું હતું પરંતુ બાદમાં બંને પરિવારો વચ્ચે વિવાદ થતાં લગ્ન ફોક થયા હતા

ચેન્નાઇ તા. ૨૧ : રેપના કેસમાં આરોપીને સજામાં રાહત આપતાં ચેન્નાઈની એક કોર્ટે તેને ૧૫ લાખ રૂપિયાનું વળતર આપવાનો પણ આદેશ કર્યો છે. આ શખ્સ કોલેજનો વિદ્યાર્થી હતો ત્યારે દુષ્કર્મના આરોપમાં તેની ધરપકડ થઈ હતી અને ૭થી વધુ વર્ષ સુધી તેની સામે કેસ ચાલ્યો હતો. મહિલાની ડિલિવરી બાદ બાળક અને જેની સામે આરોપ લાગ્યો હતો તે શખ્સનું DNA મેચ ના થતાં સાબિત થયું હતું કે તે તેનો પિતા નથી. જે બાદ શખ્સને કેસમાંથી મુકિત અપાઈ હતી.

નિર્દોષ છૂટ્યા બાદ સંતોષે વળતર મેળવવા કેસ દાખલ કર્યો હતો. તેણે અરજી કરતાં કહ્યું હતું કે, ખોટા રેપ કેસના કારણે તેનું કરિયર અને જિંદગી બરબાદ થઈ ગઈ છે. અમુક અંશે તેની અરજી માન્ય રાખતાં શહેરની કોર્ટે તેને ૧૫ લાખનું વળતર આપવાનો આદેશ કર્યો હતો. સાથે જે મહિલા અને તેના માતાપિતાએ ખોટો કેસ કર્યો હતો તેમને વળતર ચૂકવવાનું કહ્યું હતું.

સંતોષે મહિલા, તેના માતાપિતા અને કેસની તપાસ કરનારા સેક્રિટેઅરિઅટ કોલોની પોલીસ ઈન્સ્પેકટર પાસેથી ૩૦ લાખ રૂપિયાનું વળતર માગ્યું હતું. સંતોષના વકીલ એ. સિરાજુદ્દીને કહ્યું, તેમના અસીલનો પરિવાર અને મહિલાનો પરિવાર પાડોશીઓ હતા. તેઓ એક જ સમુદાયમાંથી આવતા હતા અને બંને પરિવારો વચ્ચે સમજૂતી થઈ હતી કે સંતોષ તે મહિલા સાથે પરણશે.

જો કે, બાદમાં મિલકતના વિવાદના કારણે બંને પરિવારો વચ્ચે તિરાડ પડી હતી. સંતોષ અને તેનો પરિવાર ચેન્નાઈમાં બીજા ઠેકાણે રહેવા જતો રહ્યો હતો. સંતોષે બીટેક કરવા માટે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું ત્યારે મહિલાની માતા તેના (સંતોષ) માતાપિતા પાસે પહોંચી હતી. તેમણે કહ્યું હતું કે, સંતોષે તેમની દીકરીને ગર્ભવતી કરી છે માટે બંને પરિવારોએ તેમના લગ્ન ગોઠવી દેવા જોઈએ.

જો કે, સંતોષે મહિલા સાથે કોઈપણ પ્રકારના સંબંધો બંધાયા હોવાનો ઇનકાર કરતાં મહિલા અને તેના પરિવારે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. પરિણામે સંતોષની ધરપકડ થઈ હતી અને ૯૫ દિવસ સુધી તે જયૂડિશિયલ કસ્ટડીમાં રહ્યો હતો. ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૦ના રોજ સંતોષ જામીન પર છૂટ્યો હતો. ત્યાં સુધીમાં મહિલાએ એક બાળકીને જન્મ આપ્યો હતો. બાદમાં DNA ટેસ્ટથી સાબિત થયું હતું કે સંતોષ તે બાળકીનો પિતા નથી. કેસની ટ્રાયલ ચાલી અને ચેન્નાઈની મહિલા કોર્ટે ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ સંતોષને છોડી મૂકયો હતો.

પોતાને થયેલા નુકસાનનું વળતર માગતા સંતોષે કેસ દાખલ કર્યો અને કહ્યું કે, કેસ પાછળ તેના ૨ લાખ રૂપિયા ખર્ચાયા છે. સંતોષે કહ્યું કે, તેને કોમર્શિયલ ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ના મળ્યું અને તે ઓફિસ આસિસ્ટન્ટ તરીકે કામ કરીને બે છેડા ભેગા કરે છે.

(1:27 pm IST)