Gujarati News

Gujarati News

News of Saturday, 21st November 2020

આગ્રા : ઘરમાં ઘૂસીને મહિલા ડોક્ટરની બેરહમીપૂર્વક હત્યા

હુમલાને લીધે બંને બાળકો પણ ઘાયલ : મહિલા ડૉક્ટરનું સારવાર દરમિયાન મોત : મહિલા ડૉક્ટરના બે બાળકો હાલ હૉસ્પિટલ ખાતે સારવાર હેઠળ

આગ્રા, તા. ૨૧ : ઉત્તર પ્રદેશના આગ્રામાં ઘરમાં ઘૂસીને મહિલા ડૉક્ટર ની બેરહમીપૂર્વક હત્યા કરી નાખવામાં આવી છે. ચપ્પુના ઘા મારીને ડૉક્ટરની હત્યા કરી દેવામાં આવી છે. સાથે મહિલા ડૉક્ટરના બે બાળકો પર હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર વિસ્તાર કમલાનગર વિસ્તારો છે, જ્યાં મહિલા ડૉક્ટર નિશાની હત્યા કરી નાખવામાં આવી છે. બનાવ વખતે ડૉક્ટર નિશા અને તેના બે બાળકો ઘરમાં હાજર હતા. આરોપીએ લૂંટ બાદ હત્યાને અંજામ આપ્યો હતો.

હુમલા બાદ ડૉક્ટર નિશાને ગંભીર હાલતમાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેણીનું નિધન થયું હતું. હુમલામાં ઘાયલ થયેલા બંને બાળકોની હાલમાં હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ઘટના બાદ પોલીસે આરોપી શુભમને પકડી પાડ્યો છે. એક્નાઉન્ટર દરમિયાન શુભમને ગોળી વાગી છે. તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આરોપી પાસેથી લૂંટનો માલ પણ જપ્ત કર્યો છે.

પોલીસ વિભાગમાં હાહાકાર : બનાવ બાદ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી ટીવી રિચાર્જ કરતા શખ્સ છે. આગ્રા ડીજીપી અજય આનંદે જણાવ્યું કે આરોપીની ધરપકડ માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી. બનાવ બાદ થોડા સમયમાં પોલીસ હત્યારાને પકડવામાં સફળ રહી હતી. અથડામણ દરમિયાન પોલીસે શુભમ નામના યુવકને પકડી લીધો છે.

આરોપીને હૉસ્પિટલમાં ખસેડાયોઃ આઈજી રેન્જ સતીશ ગણેશે જણાવ્યું કે, પોલીસ તપાસમાં માલુમ પડ્યું છે કે આરોપી શુભમે લૂંટ ચલાવ્યા બાદ ડૉક્ટર નિશાની ચપ્પુ મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે તપાસ શરૂ કરી ત્યારે આરોપી શુભમ બાઇક લઈને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે પોલીસ પર ગોળી ચલાવી હતી. પોલીસ વળતું ફાયરિંગ કરતા એક ગોળી શુભમના પગમાં વાગી હતી. ગોળી વાગ્યા બાદ ઘાયલ થયેલા શુભમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. શુભમ પાસેથી એક બેગ મળી છે, જેમાં ઘરેણા અને રોકડ ભરી હતી.

(7:40 pm IST)