Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

આધાર કાર્ડ લિંક કર્યા વીના પણ LPGની સબ્સીડી મળી શકશે

ગેસ કનેક્શનની સાથે આધારને લિંક કરાવવું જરૂરી : ગેસ સબસીડી મેળવવા ગ્રાહકે પોતાની ગેસ એજન્સીમાં જઈને ડિસ્ટ્રીબ્યૂટરને બેંક એકાઉન્ટનો નંબર આપવો પડશે

નવી દિલ્હી, તા. ૨૧ : કેન્દ્ર સરકાર રસોઈ ગેસ સિલીન્ડરનું બુકિંગ કરતા તેની સબસિડી સીધી ગ્રાહકના બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવે છે. સામાન્ય રીતે સબસિડી મેળવવા માટે તમારે તમારું ગેસ કનેક્શનની સાથે આધાર કાર્ડને લિંક કરાવવું ખુબ જ જરૂરી છે. જો તમારી પાસે આધાર કાર્ડ નથી અથવા તો કોઈ કારણસર આધાર કાર્ડને બેંક અથવા એલપીજી કનેક્શનની સાથે લિંક કરી શકાય નથી તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આધાર કાર્ડ લિંક કર્યા વગર પણ તમને ગેસ સબસિડી મળી શકે છે. બસ તેના માટે તમારે એક કામ કરવું પડશે.

ગેસ સબસીડી મેળવવા માટે ગ્રાહકે પોતાની ગેસ એજન્સીમાં જઈને એલપીજી ડિસ્ટ્રીબ્યૂટરને બેંક એકાઉન્ટનો નંબર આપવો પડશે. ત્યારબાદ ગ્રાહકની સબસિડીની રકમ સીધી બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. બેંક એકાઉન્ટની જાણકારીની સાથે એકાઉન્ટ ધારકનું નામ, ખાતા નંબર અને બેંકની બ્રાંચનો આઈએફએસસી કોડ અને ૧૭ અંકોનો એલપીજી કન્ઝ્યુમર આઈડી આપવું પડશે. પરંતુ જણાવી દઈએ કે આ સુવિધા તેજ ગ્રાહકોને આપવામાં આવી છે, જેની પાસે આધાર કાર્ડ નથી.

ઓનલાઈન મોડમાં લિંક કરવા માટે તમારે મોબાઈલ નંબરનો ઈન્ડેન ગેસ કનેક્શનથી રજિસ્ટર કરાવો. ત્યારબાદ આધારની સત્તાવાર વેબસાઈટ પર જાવ. અહીં આપેલી તમામ જરૂરી જાણકારી ભરો. તેમાં તમારે બેનિફિટ ટાઈપમાં એલપીજી, સ્કીમનું નામ, વિતરણનું નામ અને ગ્રાહક સંખ્યા ભરો. હવે આધાર નંબર ટાઈપ કરતા પહેલા તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી લખવું પડશે. ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરી દો.  હવે તમારા મોબાઈલ, ઈમેલ પર એક ઓટીપી આવશે. તમને વન ટાઈમ પાસવર્ડ નાંખીને સબમીટ બટન પર ક્લિક કરી દો.

ઈન્ડેન ગ્રાહકો એક કસ્ટમર કેર નંબર  પર ફોન કરીને પણ તમારા ગેસ કનેક્શનને આધાર સાથે લિંક કરાવી શકે છે. તેના માટે તમારે ગેસ કનેક્શનમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી ૧૮૦૦ ૨૩૩૩ ૫૫૫ પર કોલ કરવો પડશે. ત્યારબાદ તમે ઈચ્છો તો તમે પ્રતિનિધિ સાથે વાત કરીને આધાર નંબર જણાવો અને પોતાના ગેસ કનેક્શન સાથે તેને લિંક કરાવી દો.

એલપીજીના ભાવમાં ૫૦ રૂપિયાના વધારા પછી સબસીડી વગરનો ૧૪.૨ કિલોગ્રામનો એલપીજી સિલિન્ડર ની કિંમત ૬૪૪ રૂપિયાથી વધીને ૬૯૪ રૂપિયા થઈ ગઈ છે. આ સિલિન્ડરની કિંમતોમાં આ બીજી વખત ભાવવધારો થયો છે.

(12:00 am IST)