Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

જેક મા દેખાતા અલીબાબા જૂથની માર્કેટ કેપ વધી ગઈ

આર્થિક નીતિઓની ટિકા બાદથી ઉદ્યોગપતિ ગાયબ હતા : માર્કેટ કેપ એક દિનમાં ૫૮ અબજ ડોલર વધી ગઈ : જેક માની અટકાયત થઈ હોવાની આશંકાએ વેગ પકડ્યું હતું

નવી દિલ્હી, તા. ૨૧ : ચીનના જાણીતા ઉદ્યોગપતિ જેક મા લાંબા સમય બાદ બુધવારે જોવા મળ્યાં હતાં. જેક મા અઢી મહિના પછી બુધવારે ઓનલાઇન વીડિયોમાં દેખાયા હતા. ૫૦ સેકન્ડના વીડિયોમાં માએ તેમના ફાઉન્ડેશનને ટેકો આપનારા શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન તેમણે ચીનની સરકાર વિશે કંઇ પણ કહેવાનું ટાળ્યું હતું. જ્યારે ચીનની સરકારની કાર્યવાહીથી તેમનો બિઝનેસ સંકટમાં આવી ગયો હતો. લાંબા સમય બાદ જેક માની એક ઝલક રોકાણકારોમાં ઉત્સાહ ભરવા માટે પૂરતી હતી.

જેક મા બુધવારે એક લાઇવ સ્ટ્રીમિંગ વીડિયો કોન્ફરન્સમાં સામેલ થયા હતા. જે બાદ અલીબાબા ગ્રુપ હોલ્ડિંગ લિમિટેડની માર્કેટ વેલ્યૂ એક જ દિવસમાં ૫૮ અબજ ડોલર વધી ગઇ. જેક મા ગયા વર્ષના અંતથી જ ગાયબ હતા અને તેમના વિશે અનેક પ્રકારના કયાસ લગાડવામાં આવી રહ્યાં હતાં.

જેક મા અચાનક ગુમ થઈ જવાથી તેમના અને અલીબાબા જૂથના ભાવિ અંગે અટકળોએ જોર પકડ્યું હતું. માએ ૨૪ ઓક્ટોબરે શાંઘાઇ કોન્ફરન્સમાં નિયમનકર્તાઓની ટીકા કરી હતી અને ત્યાર પછી તરત તે જાહેરમાં દેખાતા બંધ થઈ ગયા હતા. થોડાદિવસ પછી નિયમનકર્તાઓએ એન્ટ ગ્રૂપના અબજો ડોલરના પબ્લિક ઇશ્યૂને અટકાવી દીધો હતો. એન્ટ ગ્રૂપ અલીબાબાની પેમેન્ટ્સ સર્વિસ 'અલીપેલ્લમાંથી છૂટું પડેલું ફાઇનાન્શિયલ પ્લેટફોર્મ છે.

જાહેરમાં નિયમનકર્તાની ટીકા પછી જેક માના ગુમ થઈ જવાને કારણે સોશિયલ મીડિયા પર જેક માની અટકાયત થઈ હોવાની કે કાનૂની કાર્યવાહીની આશંકાએ વેગ પકડ્યું હતું. જેક મા ચીનની ટેક્નોલોજી સેક્ટરની તેજીનું પ્રતીક ગણાય છે.

(12:00 am IST)