Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

પાકિસ્તાનને પણ મોકલવામાં આવી શકે છે કોરોનાની વેકસીન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનવતાના આધારે પડોશી દેશોને કોરોનાની વેકસીન આપી રહ્યા છે

નવી દિલ્હી તા. ૨૨ : કોરોના વાયરસને મ્હાત આપવા માટે ભારત તરફથી પડોશી દેશોને સતત મદદ કરવામાં આવી રહી છે. ભારત અત્યાર સુધીમાં બાંગ્લાદેશ નેપાળ ભૂટાન અને માલદીવ ને કોરોના વેકસીનના લાખો ડોઝ મોકલી ચૂકયું છે. ભારતીય વેકસીનની દુનિયાભરમાં જોરદાર ડિમાન્ડ છે. અત્યાર સુધી લગભગ ૯૨ દેશોએ ભારત સરકાર પાસેથી વેકસીન ખરીદવા માટે ઈચ્છા વ્યકત કરી છે. એવામાં સવાલ ઉઠે છે કે શું પડોશી દેશ પાકિસ્તાનને પણ ભારત તરફથી વેકસીનના ડોઝ મળી શકે છે?

મીડિયા રિપોર્સ્દનું માનીએ તો નેબરહુડ ફટ્એર્ પોલિસી હેઠળ ભારત પોતાના પડોશી અને નજીકના દેશોને કોરોનાની વેકસીન મોકલી રહ્યું છે. હિન્દી અખબાર 'દૈનિક ભાસ્કરે' સરકારી સૂત્રોના હવાલાથી દાવો કર્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માનવતાના આધારે પડોશી દેશોને કોરોનાની વેકસીન આપી રહ્યા છે. એવામાં જો પાકિસ્તાન પણ વેકસીન માંગે છે તો ભારતને તેને આપવામાં કોઈ વાંધો નથી. નોંધનીય છે કે પાકિસ્તાને અત્યાર સુધી બે વેકસીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપી છે. આ છે ચીનની વેકસીન સિનોફોર્મ અને ઓકસફર્ડ-એસ્ટ્રાજેનેકાની કોવીશિલ્ડ.

અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એકસપ્રેસ' મુજબ, પાકિસ્તાન પણ ભારતથી વેકસીન લેવા માંગે છે. તેના માટે પાકિસ્તાનની પાસે બે રસ્તા છે. ઈમરાન ખાનની સરકાર પીએમ મોદીને પડોશી હોવાના કારણે વેકસીનની ડિમાન્ડ કરી શકે છે. ભારત નેબરહુડ ફર્સ્ટ પોલિસી હેઠળ પાકિસ્તાનને વેકસીન આપી શકે છે. જયારે પાકિસ્તાનની પાસે બીજો રસ્તો છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના માધ્યમથી આ વેકસીન લે. મૂળે કોવેકસ નામનું એક સંગઠન છે જેના માધ્યમથી ૧૯૦ દેશોની ૨૦ ટકા જનસંખ્યાને મફતમાં વેકસીન આપવામાં આવે છે. પાકિસ્તાન પણ તેનો સભ્ય દેશ છે.

કોવીશિલ્ડ વેકસીનના ૨૦ લાખ ડોઝ બાંગ્લાદેશ અને ૧૦ લાખ ડોઝ નેપાળને મોકલવામાં આવી ચૂકયા છે. ભૂટાનને પણ અત્યાર સુધી દોઢ લાખ ડોઝ આપવામાં આવ્યા છે. જયારે માલદીવને અત્યાર સુધી એક લાખ ડોઝ આપવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં ભારતીય હાઇકમિશને ટ્વીટ કરીને ભારતના લોકો અને સરકાર તરફથી બાંગ્લાદેશ સરકારને મેડ ઇન ઈન્ડિયા કોવિડ વેકસીનના ૨૦ લાખ ડોઝ સોંપ્યા હતા.

(10:18 am IST)