Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

વેકસીન લેવા અનેક લોકોની આનાકાનીઃ રસી ન લેવા કેવા-કેવા બહાના બતાડે છે

કોઈ રજા ઉપર ઉતરી જાય છે તો કોઈ ગમે તેમ કરીને છટકબારી ગોતી લ્યે છે કે જેથી રસી ન લેવી પડે

નવી દિલ્હી, તા. ૨૨ :. દેશભરમાં કોવિડ-૧૯નું રસીકરણ શરૂ થયુ છે. હાલ હેલ્થ વર્કર્સને રસી આપવામાં આવી રહી છે. આમ છતા અનેક લોકો વેકસીન ન લગાવવા કેવા કેવા બહાના ધરી રહ્યા છે તેની વિગતો બહાર આવી રહી છે. હેલ્થ વર્કર્સ અજબગજબના બહાના આપી રહ્યા છે. જયપુરના કાવટીયા હોસ્પીટલમાં નર્સ ભવાની શર્મા બીજાને વેકસીન માટે પ્રેરે છે તેમણે શનિવારે કોવેકસીનનો પહેલો ડોઝ લીધો હતો પરંતુ બીજા સાથીઓ તેને લેવાનો ઈન્કાર કરી રહ્યા છે. શર્મા આખી હોસ્પીટલને કહે છે કે કોઈ સાઈડ ઈફેકટ નથી છતા સાથીઓ હિચકીચાટ અનુભવી રહ્યા છે.

બેંગ્લોર મહાનગરપાલિકાના હેલ્થ ઓફિસરના જણાવ્યા પ્રમાણે મને એવા ૨૦ હેલ્થ વર્કર્સ મળ્યા જેમણે રસી લગાવવાનું નાટક કર્યુ. સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક મેડીકલ ઓફિસરે તો નર્સને કહ્યુ હતુ કે તે મારી બાંય પર રૂનુ પૂમડુ રાખી પકડીને ઉભી રહે કે જેથી બધાને લાગે કે મેં રસી લઈ લીધી.

હૈદરાબાદની સરકારી હોસ્પીટલો, પ્રાઈમરી હેલ્થ સેકટરના ૧૦ થી ૧૫ ટકા સ્ટાફ ૧૬મી જાન્યુઆરીથી કામ પર નથી આવ્યો કે જેથી રસીથી બચી શકાય. કેટલાક લોકો રજા પર છે તો કેટલાકે ઈમરજન્સી રજા લીધી છે.

એક સર્વેમાં ૫૩ ટકા લોકોએ માન્યુ કે તેઓને કોરોના વેકસીન લેવા સામે વાંધો છે. ૪૪ ટકા લોકો વેકસીન લેવા તૈયાર છે.

મુંબઈની જે.જે. હોસ્પીટલના ડો. લલીત સાંખેનું કહેવુ છે કે કેટલાક લોકો રસી લેવા માગતા નથી. અમે જોયુ છે કે લોકોએ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો. એઈમ્સ પટણામાં સિનીયર રેસીડેન્ટ ડો. વિનયકુમારનું કહેવુ છે કે અનેક ડોકટર્સ અને પીજીના વિદ્યાર્થીઓ રસી લેવા માગતા નથી કારણ કે રસીની ત્રીજી ટ્રાયલ હજુ શરૂઆતના તબક્કે છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડીયાએ કોવેકસીન અંગે ૬ શહેરોમાં સર્વે કર્યો જ્યાં કોઈ એકમા પણ રસી લગાડવાવાળાની સંખ્યા ૫૦ ટકાથી વધુ નહોતી જોવા મળી.

લોકો અનેક પ્રકારના બહાના બતાવી રસી લેવા માગતા નથી. અમુક લોકોનું કહેવુ છે કે તેઓને કશો રોગ નથી તો રસી શા માટે લેવું ?

(10:19 am IST)