Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

બાઇડન રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ

'ભારત સાથે અમારા સંબંધ વધુ મજબૂત થશે': વ્હાઇટ હાઉસ

રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન બંને દેશોની વચ્ચે લાંબા સમયથી ચાલ્યા આવતા દ્વીપક્ષીય સફળ સંબંધોનું સન્માન કરે છેઃ વ્હાઇટ હાઉસ

વોશિંગટન, તા.૨૨: અમેરિકામાં જો બાઇડન એ નવા રાષ્ટ્રપ્રમુખ અને કમલા હૈરિસએ ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળી લીધો છે. આ દરમિયાન વ્હાઇટ હાઉસએ કહ્યું છે કે જો બાઇડન અને કમલા હૈરિસના કારણે ભારત-અમેરિકાની વચ્ચે સંબંધ વધુ મજબૂત થશે. વ્હાઇટ હાઉસની પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન બંને દેશોની વચ્ચે લાંબા સમયથી ચાલ્યા આવતા દ્વીપક્ષીય સફળ સંબંધોનું સન્માન કરે છે. બાઇડને બુધવારે અમેરિકાના ૪૬મી રાષ્ટ્પ્રમુખ તરીકે શપથ લીધા હતા.

બાઇડન પ્રશાસનમાં ભારત-અમેરિકાના સંબંધ પર એક સવાલના જવાબમાં સાકીએ કહ્યું કે, રાષ્ટ્રપ્રમુખ બાઇડન અનેકવાર ભારતની યાત્રા કરી ચૂકયા છે. તેઓ ભારત અને અમેરિકામાં નેતાઓની વચ્ચે લાંબા સમયથી ચાલ્યા આવતા સફળ દ્વીપક્ષીય સંબંધોનું સન્માન કરે છે, તેનું મહત્ત્વ સમજે છે. બાઇડન પ્રશાસન તેને આગળ ધપાવાની દિશામાં આશાવાદી છે.

તેઓએ કહ્યું કે, ભારતીય મૂળની કમલા હૈરિસના ઉપરાષ્ટ્રપ્રમુખ બનવાથી આ સંબંધ વધુ મજબૂત થશે. સાકીએ કહ્યું કે, બાઇડને તેમની (હૈરિસની) પસંદગી કરી છે અને તેઓ પહેલી ભારતવંશી છે જે અમેરિકાની ઉપરાષ્ટ્રપ્રમુખ બની છે. નિશ્ચિત રીતે આ આપણા સૌ માટે એક ઐતિહાસિક ક્ષણ છે ઉપરાંત તેનાથી આપણા સંબંધો પણ વધુ મજબૂત થશે.

જો બાઇડને ભારતીયોના હિતમાં નિર્ણય લીધો છે. બાઇડને દેશમાં ચાલી રહેલી ઇમીગ્રેશન પોલિસીમાં ફેરફાર કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેઓએ કોંગ્રેસથી એક કાયદો તૈયાર કરવાની વાત કહી છે, જેમાં ૧.૧ કરોડ અપ્રવાસીઓને સ્થાયી દરજ્જો અને નાગરિકતા સરળતાથી આપી શકાશે. ખાસ વાત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી કરોડો અપ્રવાસીઓ ઉપર દેશ છોડવાનો ખતરો ઊભો થયો હતો. કાર્યભાર સંભાળવાના પહેલા જ દિવસે બાઇડેને ટ્રમ્પના અનેક નિર્ણયોને પલટી દીધા છે.

બાઇડનના આદેશ પર હસ્તાક્ષર બાદ એ લોકોને ફાયદો થશે, જેઓ કોઈ કાનૂની દસ્તાવેજો વગર દેશમાં રહે છે. અમેરિકામાં આવા લોકોની સંખ્યા લગભગ ૧.૧ કરોડ છે, જેમાં ૫ લાખ ભારતીયો પણ સામેલ છે. બાઇડનનો આ નિર્ણય ટ્રમ્પથી બિલકુલ વિપરિત છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ બિલ બુધવારે જ રજૂ કરવામાં આવી શકે છે. ખાસ વાત એ છે કે તેઓએ પહેલા જ આ વાતની જાહેરાત કરી દીધી હતી.

આ બિલ હેઠળ ૧ જાન્યુઆરી ૨૦૨૧ સુધી આવા લોકોની તપાસ કરવામાં આશવશે. જો આવા લોકો જવાબદારી નિભાવી રહ્યા છે અને ટેકસ ભરી રહ્યા છે તો તેમને પાંચ વર્ષ માટે અસ્થાયી કાયદાકીય દરજ્જાનો રસ્તો તૈયાર થશે કે પછી તેમને ગ્રીન કાર્ડ પણ આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સથી મળતી જાણકારી મુજબ, સેનેટર બોમ મેંડજ અને લિન્ડા સેન્ચેજે આ બિલને લઈ તૈયારીઓ શરુ કરી દીધી છે.

ખાસ વાત એ છે કે બાઇડનની નવી ઇમીગ્રેશન પોલિસીથી અમેરિકામાં કામ કરી રહેલા ભારતીય ટેકનોલોજી એકસપર્ટ્સને દ્યણો ફાયદો થશે. તેનાથી તેમની રોજગાર આધારિત નાગરિકતા મેળવવાનો માર્ગ સરળ થશે. આ ઉપરાંત બાઇડને મુસ્લિમ દેશો પર લાગેલા પ્રતિબંધને પણ હટાવ્યો છે. આ ઉપરાંત તેઓએ ૭ મુસ્લિમ બહુમતી ધરાવતા દેશો માટે વીઝા પ્રક્રિયા શરૂ કરવાના આદેશ આપ્યા છે. ટ્રમ્પે વર્ષ ૨૦૧૭માં આ દેશો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

(3:55 pm IST)