Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

ગ્રે લિસ્ટરમાંથી બહાર નીકળવા પાકિસ્તાનના હવાતિયાં: કામ આવશે નહીં ચીન-તુર્કીની મદદ

ફ્રાન્સ નાખુશ, યુરોપિયન દેશ પણ વિરૂદ્ધ : આતંકી ફંડિંગ રોકવામાં નિષ્ફળતા જ નહીં પરંતુ એક વિવાદાસપ્દ કાર્ટુન કારણ બની શકે

નવી દિલ્હી : આર્થિક સંકટથી ઝઝૂમતા પાકિસ્તાન  ગ્રે લિસ્ટરમાંથી બહાર નીકળવા માટે એક-એક દિવસ ગણી રહ્યું છે. તેને લઇ સોમવારના રોજ પેરિસમાં બેઠક યોજાવાની છે અને જો પાકિસ્તાન આ યાદીમાંથી બહાર નીકળતું નથી તો તેને આંતરરાષ્ટ્રીય સંગઠનો અને એજન્સીઓની પાસેથી આર્થિક મદદ મેળવવી વધુ મુશ્કેલ થઇ જશે. જો કે મોટી સંભાવાના એ છે કે તેને ગ્રે લિસ્ટમાં જ રહેવું પડી શકે છે. ખાસ વાત એ છે કે તેની પાછળ આતંકી ફંડિંગ રોકવામાં તેની નિષ્ફળતા જ નહીં પરંતુ એક વિવાદાસપ્દ કાર્ટુન કારણ બની શકે છે.

પેરિસમાં સિનિયર પાકિસ્તાની પત્રકાર યુનુસ ખાનના હવાલે ડૉન અખબારે લખ્યું છે કે કેટલાંક યુરોપિયન દેશ ખાસ કરીને ફ્રાન્સે FATFને સલાહ આપી દીધી છે કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવામાં આવે.

તેમનું કહેવું છે કે ઇસ્લામાબાદે પણ તમામ મુદ્દાઓ પર સંપૂર્ણપણે કામ કર્યું નથી. બીજા દેશોએ ફ્રાન્સનું સમર્થન કર્યું છે. ખાનનું કહેવું છે કે ફ્રાન્સ પયગંબર કાર્ટુનના મુદ્દા પર પાકિસ્તાનની પ્રતિક્રિયાથી નાખુશ છે. પાકિસ્તાને પેરિસમાં સ્થાનિક રાજદૂત પણ નિમણૂક કર્યા નથી. તેમણે કહ્યું કે બંને દેશોની વચ્ચે કૂટનીતિક અને આર્થિક સંબંધ બરાબર નથી.

ફ્રાન્સના શાર્લી એબ્દો મેગેઝીનમાં છપાયેલા પયગંબર મોહમ્મદના કાર્ટુનને લઇ પાકિસ્તાન સહિત બીજા મુસ્લિમ દેશોએ ખૂબ વિરોધ કર્યો હતો. આ વિવાદમાં ઇમરાન ખાન કૂદી પડ્યા હતા અને પાકિસ્તાની પીએમે કહ્યું હતું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોં 'જાણી જોઇને' પોતાના નાગરિકો સહિત મુસ્લિમોને ભડકાવી રહ્યા છે. તેમણે ટ્વીટ કરી હતી કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે તેમણે (મેક્રોં) ઇસ્લામોફોબિયાને પ્રોત્સાહન આપવાનો રસ્તો પસંદ કર્યો છે ત્યારે તો આતંકવાદીઓ પર હુમલો કરવાની જગ્યાએ ઇસ્લામ પર હુમલો કર્યો. આતંકવાદી પછી તે મુસલમાન હોય કે શ્વેત વર્ચસ્વવાદી કે નાઝી વિચાર.

ઇમરાને કહ્યું હતું કે અત્યારે ફ્રાન્સીસ રાષ્ટ્રપતિએ વધારે ધ્રુવીકરણને પ્રોત્સાહિત કરવાની જગ્યાએ ઘા ભરવાની કોશિષ કરવી જોઇએ અને અતિવાદીઓને જગ્યા આપવી જોઇએ નહીં. ઇમરાન ખાને કહ્યું કે ઇસ્લામની સમજ વગર તેના પર હુમલો કરીને ફ્રાન્સીસ રાષ્ટ્રપતિએ આખી દુનિયાના અબજો મુસલમાનોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે

નિષ્ણાતોનું કહેવું છે કે ઇમરાન ખાનની લાખ કોશિષો છતાંય પાકિસ્તાન જૂન સુધીમાં ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળી શકશે નહીં. પશ્ચિમી દેશોની આંખે ચઢેલ પાકિસ્તાન હાલ પોતાના સદાબહાર મિત્ર દેશ ચીન અને તુર્કીની મદદથી એફએટીએફની ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે સભ્ય દેશોનું સમર્થન એકત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં તેણે આતંકીઓ અને આતંકી સંગઠનોની વિરૂદ્ધ કાર્યવાહીની ખાનાપૂર્તિ પણ કરી છે જેના પર અમેરિકાએ સુધી નિશાન સાંધ્યું છે. એવામાં પાકિસ્તાન માટે દુનિયાને એ ભ્રમમાં રાખવા મુશ્કેલ થઇ શકે છે કે તેઓ આતંકની વિરૂદ્ધ કદમ ઉઠાવી રહ્યા છે.

(9:29 am IST)