Gujarati News

Gujarati News

News of Thursday, 22nd April 2021

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બંગાળની ચૂંટણી રેલીઓ રદ કરી

કોરોનાના રુપને જોતાં ઇમરજન્સી લો ૨૦૦૫ને લાગુ : આજે દેશની સ્થિતિ ઉપર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવાનો નિર્ણય લીધો છે જેથી બંગાળની ચૂંટણી રેલીઓ રદ કરી

નવી દિલ્હી, તા. ૨૨ : દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર વિકરાળ રુપ ધારણ કરી ચૂકી છે. જેમાં દેશના મોટાભાગના રાજ્યો પરિણામ ભોગવી રહ્યા છે. સંક્રમણના નવા કેસ અને મૃત્યુ દરમાં સતત વધારો, એવામાં કોરોનાની સારવાર માટે અત્યંત જરુરી ઓક્સિજનની અછત જેવા પડકારો સામે લડવા કેન્દ્ર અને રાજ્ય સરકારો સતત પ્રયત્નશીલ છે. દેશમાં કોરોના સંક્રમણની વકરેલી સ્થિતિને જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ બંગાળની ચૂંટણી પ્રચાર રેલીઓ રદ કરી નાંખી છે. તેમણે શુક્રવારે દેશભરની પરિસ્થિતિ પર ઉચ્ચસ્તરીય બેઠક બોલાવાનો નિર્ણય લીધો છે જેમાં સામેલ થવા માટે બંગાળની ચૂંટણી રેલીઓ રદ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અંગેની માહિતી આપતી ટ્વીટ કરી હતી. નોંધનીય છે કે કેન્દ્રમાં મોદી સરકારે મહામારીના વિકરાળ રુપને જોતાં ઇમરજન્સી લો ૨૦૦૫ને લાગુ કરી દીધો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની ટ્વીટમાં માહિતી આપી હતી કે, આવતી કાલે હું મહામારીને લીધે પેદા થયેલી ભયાનક સ્થિતિની સમીક્ષા લેવા ઉચ્ચસ્તરીય બેઠકનું નેતૃત્વ કરીશ. જેના લીધે પશ્ચિમ બંગાળ જઇ નહીં શકુ. આ પહેલા વડાપ્રધાને દેશના અનેક રાજ્યોમાં ઓક્સિજનની અછત-અવ્યવસ્થાને લઇને ગુરુવારે ખાસ બેઠકનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેમણે ઓક્સિજન સપ્લાય વધારવા અને આ માટેના અન્ય વિકલ્પો પર ચર્ચા કરી હતી.

આ બેઠકમાં કેબિનેટ સચિવ, વડાપ્રધાનના પ્રમુખ સચિવ, ગૃહ સચિવ, આરોગ્ય સહિત અન્ય મંત્રાલયો અને નીતિ આયોગના ઉચ્ચ અધિકારીઓ સામેલ થયા હતા.

ઉલ્લેખનીય છે કે દેશમાં વિતેલા ૨૪ કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ ૩.૧૪ લાખ નવા કેસ સામે આવ્યા હતા, જે દેશમાં મહામારીના વિકરાળ રુપને દર્શાવે છે. એક મીડિયા રિપોર્ટ મુજબ દેશમાં એક જ દિવસમાં સંક્રમણના નવા કેસનો આંકડો નવો રેકોર્ડ છે. જોકે મહામારીની પરિસ્થિતિ દેશમાં એ રીતે વકરી ચૂકી છે કે હાલમાં દેશમાં ૨૨ લાખથી વધુ સક્રિય કેસ છે.

(9:39 pm IST)